અમદાવાદ જીલ્લામાં આવેલા હાથીજણ સ્થિત નિત્યાનંદ આશ્રમમાં ગેરવર્તનનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ આ મામલે કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારબાદ હવે સગીરા સાથે દુર્વ્યવહાર અને બાળકોને ગોંધી રાખવાના કેસમાં જામીન પર મુક્ત થયેલી બંને સંચાલિકાઓને ગુજરાત બહાર રહેવાની છૂટ લંબાવામાં આવે તેવી માંગ કરતી અરજી ગુજરાત હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.આ સાથે જ હાઈકોર્ટે પ્રાણપ્રિયા અને પ્રિયતત્વને કોરોના મહામારીને લીધે 31મી ડિસેમ્બર સુધી કર્ણાટકમાં રહેવાની રાહત આપી છે.
આ પહેલા ગુજરાત હાઈકોર્ટમાં નિત્યાનંદ આશ્રમમાં થયેલા ગેરવર્તનમાં ફસાયેલી બંને સંચાલિકાઓ વતી તેમના એડવોકેટ દ્વારા રજૂઆત કરાઈ હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, બંને સંચાલિકા મૂળ કર્ણાટકની વતની છે અને અમદાવાદમાં કાયમી રહેઠાણ ધરાવતા ન હોવાથી કોરોના મહામારીમાં કાર્યવાહી માટે અમદાવાદમાં હાજર થવા મુદ્દે ભારે તકલીફનો સામનો કરવો પડે છે.
કોરોના મહામારીને લીધે ટ્રાયલ કોર્ટમાં ફિઝિકલ સુનાવણી ક્યારે થશે એ નિશ્ચિત નથી ત્યારે અમદાવાદ જિલ્લા બહાર જવાની છૂટ લંબાવવાની દલીલને હાઈકોર્ટે માન્ય રાખી છે.
