@કૌશિક છાયા, કચ્છ
ભુજમાં સસ્તા સોનાના નામે રૂ.27 લાખની ઠગાઇ કરનારા બે શખ્સોને ભુજ એલસીબીએ પકડી પાડી તમામ મુદામાલ રિકવર કર્યો છે. એસપીએ સસ્તા સોનાની લાલચમાં નાગરિકોને ન આવવા અપીલ કરી છે.
સુરતમાં રહીને ભણતાં હૈદ્રાબાદના આદર્શ જૈનને ભુજના ચીટરો હાજી વલીમામદ કકલ અને અલતાફ જતે ફેસબૂક પર ફ્રેન્ડ બનીને બજારભાવ કરતાં 20 ટકા સસ્તા સોનુ આપવાની જાળમાં ફસાવ્યો હતો.આદર્શના પિતા અનિલકુમાર જૈન અને કાકા ભરતકુમાર જૈને 42 લાખમાં એક કિલો સોનુ ખરીદવાનો સોદો પાક્કો કરી ભુજમાં 27 લાખ રૂપિયા રોકડા લઈને માલની ડિલિવરી લેવા આવ્યાં હતા. ત્યારે આરોપીઓ તેમને સફેદ ફોરચ્યુનર કારમાં બેસાડી ભુજમાં આમ-તેમ ફેરવી જરૂરી કામ આવી ગયું છે. તેમ કહી નીચે ઉતારી નાણાં ભરેલી બેગની ચીલઝડપ કરી નાસી છૂટ્યાં હતા. નાણાં ગુમાવી દેવાના ટેન્શનમાં ભરતકુમાર જૈનનું મૃત્યુ નીપજ્યાં બાદ તેમના પત્નીને આ બાબતની ખબર પડતાં તેમણે દિયર-ભત્રીજાને ગમે તે ભોગે નાણાં પરત મેળવી લાવવા ઠપકો આપતાં છેવટે મામલો ભુજ બી ડિવિઝન પોલીસ દફ્તરે નોંધાયો હતો.જેથી પોલીસે 24 કલાકમાં બંને શખ્સોની ધરપકડ કરી તમામ મુદામાલ રિકવર કર્યો હતો.
પોલીસે ગુનાહિત ષડયંત્ર રચવા સબબ ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી અને ચીલઝડપ કરવા બદલ નવા અધિનિયમ અંતર્ગત કલમ 379 (એ) (3)નો ઉમેરો કરી હાજી ઊર્ફે મામાજી વલીમામદ કકલ અને અલ્તાફ હુસેનભાઈ જત ઊર્ફે પંકજ સોનીની ગાંધીનગરીમાંથી ધરપકડ કરી 27 લાખ રોકડા ઉપરાંત સોના જેવી પીળી ધાતુના 3 નકલી બિસ્કિટ, એક ઈલેક્ટ્રોનિક કાંટો અને કેલ્ક્યુલેટરને મુદ્દામાલ તરીકે કબ્જે કર્યાં છે. ગુનામાં વપરાયેલી ફોરચ્યુનર કાર પણ કબ્જે કરાઇ છે કોર્ટે મંજુર કરેલા 1 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને જેલ હવાલે કરાયા છે
આમ તો ભુજમાં લાંબા સમયથી સસ્તા સોનાના નામે ઠગાઈ કરનારી ગેંગ સક્રિય છે,ત્યારે પોલીસે આ મામલો ગંભીરતાથી લઈ ફરિયાદ દાખલ કરાવી હતી જો ફરિયાદ ના નોંધાઈ હોત તો બંને ચીટર નાણાં પરત આપીને અન્યોને લૂંટવાનો કારસો રચી શકે એમ હતા, પશ્ચિમ ક્ચ્છ જિલ્લા પોલીસવડા સૌરભ સિંઘે આ ગુનાના ડિટેક્શનની માહિતી આપી હતી સાથે જણાવ્યું કે,નાગરિકો આવા સસ્તા સોનાની લાલચમાં ન આવે,સસ્તામાં વેચાતું સોનું ગેરકાયદે તરીકે મેળવાયુ હોઈ શકે છે નાગરિકો આવા લોકોથી સાવધાન રહે અને લાલચમાં ન આવે તે માટે પોલીસ દ્વારા અપીલ કરાઈ છે.
