Rajkot/ એક વર્ષમાં 5,000 જેટલા અબોલ પક્ષીઓને કસાઈ વાડે જતા અટકાવ્યા આ જીવદયા પ્રેમીઓએ

રાજકોટમાં આવા જ જીવ દયા પ્રેમીઓ રહે છે કે જેઓ કસાઈ પાસેથી પક્ષીઓ વેચાય તે પહેલા તેની ખરીદી કરી અને તેમનાં જીવ બચાવે છે. એટલું જ નહીં તેમને પાંજરાપોળમાં સુપ્રત કરી અને તેનો નિભાવ

Gujarat Mantavya Vishesh
1

ભાવિની વસાણી, મંતવ્ય ન્યૂઝ

“પંછી પાની પીનેસે ઘટે ન સરિતા નીર,
ધર્મ કીએ ધનના ઘટે સહાય કરે મહાવીર.”

વર્તમાન સમયમાં કોરોના મહામારી એ આપણને બતાવી દીધું છે કે આ પૃથ્વી પર આપણું અસ્તિત્વ ક્ષણભંગુર છે. આ માટે ઈશ્વરે મનુષ્ય જન્મ આપ્યો છે ત્યારે અબોલ જીવો માટે સત્કાર્યો કરવા જોઈએ, કારણ કે અબોલ પશુ-પક્ષીઓને ઈશ્વરે આપણા જેટલી બુદ્ધિ આપી નથી. રાજકોટમાં આવા જ જીવ દયા પ્રેમીઓ રહે છે કે જેઓ કસાઈ પાસેથી પક્ષીઓ વેચાય તે પહેલા તેની ખરીદી કરી અને તેમનાં જીવ બચાવે છે. એટલું જ નહીં તેમને પાંજરાપોળમાં સુપ્રત કરી અને તેનો નિભાવ ખર્ચ ઉઠાવે છે. સૌથી મોટી વાત એ છે કે આ ખર્ચ અંગે ક્યારેય પણ કોઈ જાહેરાત કરતા નથી. પરંતુ તેઓના સત્કાર્યની સુવાસ થકી તેમની સાથે આસપાસના તેમજ મિત્રવર્તુળમાંથી લોકો જોડાતા જાય છે.

1
jivdaya

વર્ષમાં 1,000 મરઘાઓ તેમજ 4,000 બચ્ચાના જીવ બચાવ્યા

આ જીવદયા પ્રેમીઓમાં રાજેન્દ્ર ભાઈ વોરા અને તેમના પુત્ર જય વોરા તથા હેતુલભાઈ ગાથાણી સહિતના મિત્ર વર્તુળ દ્વારા વરસમાં ચારથી પાંચ વખત પાંજરાપોળમાં જઈને આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 1,000 મરઘાઓ તેમજ 4,000 બચ્ચાઓને આ જીવદયાપ્રેમીઓએ બચાવ્યા છે. માત્ર મરઘા જ નહીં પરંતુ બકરા અને પાડાને પણ છોડાવ્યા છે.તેમની પ્રવૃત્તિ અંગે વોટ્સઅપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં તસવીરો જોઈ અને લોકો તેઓને આ પ્રવૃત્તિ વિશે પ્રશ્ન કરે છે અને તેમની સાથે જવાની ઇચ્છા વ્યક્ત કરે છે. અને આ રીતે તેઓ પણ જીવદયા માટે ફંડ ફાળો આપે છે.

જૂથ કે સંસ્થા નહીં, જીવ દયાની નેમ : હેતુલભાઈ ગાથાણી

1
hetul gathani

આ પ્રવૃત્તિ અંગે હેતુલભાઈ ગાથાણી જણાવે છે કે વાંકાનેર થી મીટમાર્કેટમાં મરઘાં વેચવા માટે જતા હોય છે.ત્યાંથી કોઈ નોન વેજ હોટલ રેસ્ટોરન્ટ વાળા ખરીદી કરતા હોય છે તેના બદલે અમે લોકો ખરીદી લઇએ છીએ અને આ જીવોને બચાવીએ છીએ. તેમજ તેમનું કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધી જીવે તે માટે પાંજરાપોળને સોંપી અને નિભાવ ખર્ચ આપી દઈએ છીએ. અમારું કોઈ જૂથ નથી કે કોઈ સંસ્થા નથી. જીવદયાની ધૂન સાથે એકબીજા જોડાતા જઈએ છીએ.

મીટમાર્કેટના ભાવે અમે ખરીદી અને અબોલ જીવો બચાવીએ છીએ : રાજેન્દ્ર વોરા

1
rajendr vora

સામાન્ય રીતે કસાઈવાડા મોટાભાગે જે પ્રાણીઓને મારવામાં આવે છે તે નર હોય છે. નર હોય તેને હલાલ પહેલા કરવામાં આવે છે જ્યારે માદા છે તે ઈંડા સેવન કરતી હોય છે. જ્યારે તે ઈંડા આપવાનું બંધ કરે ત્યારે તેને પણ કસાઈવાડામાં વેચી નાખવામાં આવે છે. સિઝન પ્રમાણે મીટ માર્કેટમાં તેના ભાવ ચાલતા હોય છે. ખાસ કરીને બચ્ચાનું 1બોક્સ 900 રૂપિયામાં પડે છે, જ્યારે એક મરઘી નો ભાવ 240 લઈને 260રૂપિયા હોય છે. અમે માર્કેટમાં પૈસા આપી અને ખરીદી લઇએ છીએ જેથી કરીને તેઓના જીવ ઉગરી જાય. અને પાંજરાપોળને આપી અને નિભાવ ખર્ચ અમે લોકો ઉઠાવતા હોઈએ છીએ.

કમાણીનો એક હિસ્સો જીવ દયા માટે અલગ રાખીએ છીએ : જય વોરા

1
jay vora

અમે લોકો સામાન્ય રીતે દર વર્ષે ચારથી પાંચ વખત પાંજરાપોળની મુલાકાત કરીએ છીએ અને મિત્રવર્તુળ સાથે જઈને જીવદયાનું કાર્ય કરીને આત્મસંતોષ મેળવીએ છીએ. હું, મમ્મી કે પપ્પા અમારા જન્મદિવસની ઉજવણી અબોલ જીવોના બચાવ કરી અને કરીએ છીએ. અમારા ત્રણેયની જે કાંઈ આવક થાય છે તેનો એક હિસ્સો અમે પ્રાણીઓના નિભાવ ખર્ચ માટે અલગ રાખી દઈએ છીએ અને જ્યારે  પાંજરાપોળમાં અમે મુલાકાત લઇએ તેનો ઉપયોગ કરીએ છીએ. અમે મુખ્યત્વે બે ત્રણ પરિવારના લોકો છીએ પરંતુ આસપાસના મિત્ર વર્તુળમાંથી જેને આવવાની ઈચ્છા હોય તેને અમે સાથે લઈ જઈએ છીએ અને તે પણ અમારી સાથે જીવદયાના કામમાં જોડાતા જાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…