23મી ફેબ્રુઆરીએ જમાલપુર શાક માર્કેટમાં શાકભાજીની લૂંટની ઘટના બની હતી.જેની શાહી હજી સુખાઈ પણ નથી ને ત્યાં વધુ એક લૂંટની ઘટના જમાલપુર એપીએમસી માર્કેટમાં બની હતી.ગઈ કાલની લૂંટની ઘટનાને ગણીને ફેબ્રુઆરી માસમાં જ ચાર જેટલી લૂંટની વારદાત બની જતા એપીએમસી માર્કેટમાં આવતા મજૂરો,ખેડૂતો અને વેપારીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
તાજેતરની જો વાત કરવામાં આવે તો હિરેન ભાઈ પ્રજાપતિ નામના વેપારીની એપીએમસી માર્કેટમાં 16 અને 17 નંબરની દુકાન આવેલી છે. હિરેન ભાઈ ગઈ કાલે પોતાની દુકાને હાજર હતા તે સમયે બે અજાણ્યા ઈસમો તેમની દુકાને આવ્યા હતા અને બંને ઈસમોએ તેમની દુકાનની બહાર પડેલ ટિંટોડાની શાકભાજીનો કટ્ટો ઉપાડીને ભાગવા લાગ્યા હતા. બંને ઈસમોને શાકભાજીની લૂંટ ચલાવતા દુકાનદાર જોઈ જતા તેમણે બુમાબુમ કરતા આસપાસની દુકાનના લોકો પણ તે બે ઈસમોની પાછળ દોડયા હતા. જેથી તે ઈસમોએ શાકભાજીનો કટ્ટો ત્યાં જ ફેંકી દઈને એપીએમસી માર્કેટમાંથી ભાગી ગયા હતા.
હિરેનભાઈએ આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા ઈસમોની સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને બંને ઈસમોને પકડવાની તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ગાયકવાડ હવેલી પોલીસના જવાનો અગાઉ એપીએમસી માર્કેટમાં જ લાંચ લેતા રંગેહાથે પકડાઈ ગયા હતા. જ્યાં રક્ષક જ લાંચીયો બની જાય તો ત્યાં ગુંડાઓ શું ન કરી શકે તેનો એક ઉદાહરણ નહિ એક પછી એક કુલ ચાર ઉદાહરણ મળી ગયા છે. ફેબ્રુઆરી માસમાં જ ચાર જેટલી જુદી જુદી શાકભાજીની લૂંટની ઘટના બની જતા ગાયકવાડ હવેલી પોલીસની કામગીરી સમગ્ર વિસ્તારમાં કેવી છે તે હવે સ્થાનિકો જાણતા થઇ ગયા છે.
