Ahmedabad News: અમદાવાદ શહેરમાં સોશિયલ મીડિયા (Social media harassment) દ્વારા મહિલાઓને હેરાન કરવાની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરના રાણીપ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અજાણ્યા શખસે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી (Instagram ID) બનાવી એક પરિણીતાના અંગત અને અશ્લીલ ફોટા તેના જ પતિ તેમજ મિત્રોને મોકલી આપ્યા હતા. પરિણીતાનું લગ્નજીવન બગાડવાના ઈરાદા સાથે કરવામાં આવેલા આ કૃત્ય બાદ પીડિતાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Social media harassment: સ્ટાફ નર્સ યુવતીને બનાવાઈ નિશાન
પ્રાપ્ત માહિતી મુજબ, પીડિત યુવતી રાણીપ વિસ્તારમાં પરિવાર સાથે રહે છે અને વ્યવસાયે સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. યુવતી અગાઉ પણ ઓનલાઈન હેરાનગતિનો ભોગ બની ચૂકી હોવાનું સામે આવ્યું છે. યુવતીના વર્ષ 2019માં થયેલા પહેલા લગ્ન દરમિયાન પણ અજાણ્યા સોશિયલ મીડિયા (Social media harassment) એકાઉન્ટ પરથી તેના પતિને વાંધાજનક મેસેજો મોકલવામાં આવ્યા હતા. જેના કારણે પારિવારિક વિવાદ વધતા આખરે તેમના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ વર્ષ 2024માં યુવતીએ બીજા યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને હાલ પોતાના પરિવાર સાથે શાંતિપૂર્ણ જીવન જીવી રહી હતી.
ફેક આઈડી બનાવી શરૂ કરાઈ હેરાનગતિ
પોલીસ ફરિયાદ અનુસાર, ગત 31 માર્ચથી અજાણ્યા શખસે ઇન્સ્ટાગ્રામ પર નકલી એકાઉન્ટ બનાવી યુવતીના પતિને ડાયરેક્ટ મેસેજ (DM) મારફતે મહિલાના અંગત અને અશ્લીલ ફોટા મોકલવાનું શરૂ કર્યું હતું. આટલેથી ન અટકતા આરોપીએ યુવતીના મિત્રો અને ઓળખીતાઓને પણ આવા ફોટા તેમજ ચારિત્ર્યહનન કરતા મેસેજો મોકલ્યા હતા. જેના કારણે પરિણીતાને ભારે માનસિક ત્રાસ સહન કરવાનો વારો આવ્યો હતો.
પતિએ આપ્યો પત્નીને સપોર્ટ
સામાન્ય રીતે આવા બનાવોમાં પારિવારિક વિવાદ ઊભા થતા હોય છે, પરંતુ આ કેસમાં મહિલાના પતિએ સમજદારી દાખવી પત્નીને સંપૂર્ણ સહકાર આપ્યો હતો.દંપતીએ પહેલા સાયબર ક્રાઈમ પોર્ટલ (Cybercrime portal) પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં પહોંચીને અજાણ્યા શખસ સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
સાયબર ક્રાઈમની મદદથી તપાસ શરૂ
રાણીપ પોલીસે (Ranip Police) હાલ સોશિયલ મીડિયા (Social media harassment) પર બનેલી ફેક પ્રોફાઈલ અને મોકલાયેલા મેસેજોના સ્ક્રીનશોટના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ સાયબર ક્રાઈમની મદદથી આઈપી એડ્રેસ ટ્રેસ કરીને આરોપીને ઝડપવાના પ્રયાસ કરી રહી છે.આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયા સુરક્ષા અને મહિલાઓને ઓનલાઈન ટાર્ગેટ કરવાના વધતા બનાવો અંગે ગંભીર ચિંતા ઉભી કરી છે.
આ પણ વાંચો:સિમ વગર ચાલતા WhatsApp-Telegram પર લાગશે રોક! સાયબર ક્રાઈમ રોકવા સરકારનો કડક નિયમ
આ પણ વાંચો:સાયબર ક્રાઈમ પોલીસે 33.35 લાખના ડિજીટલ એરેસ્ટના પ્રયાસને નિષ્ફળ બનાવી મહિલાને રેસ્ક્યુ કરી
આ પણ વાંચો:આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ સેલે નોકરીની લાલચ આપીને લોકોને ફસાવતા વધુ એક આરોપીની કરી ધરપકડ
