પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજુ વધારે ભડકો થાય તેવી શક્યતા છે. તેલ ઉત્પાદક દેશોના સમુહ OPEC અને સહયોગી દેશોએ ક્રૂડમાં ઉત્પાદનના ઘટાડાને એપ્રિલ સુધી લંબાવ્યો છે. આવી સ્થિતિમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થઈ શકે છે. દેશના અમુક શહેરોમાં તો પહેલેથી જ એક લીટર પેટ્રોલનો ભાવ 100ને પાર થઈ ગયો છે.તો બીજી તરફ અમદાવાદમાં શુક્રવારે પેટ્રોલનો ભાવ લિટર દીઠ 88.20 અને ડીઝલનો ભાવ 87.60 રૂપિયા થઈ ગયો છે

ઉત્પાદનમાં ઘટાડો ચાલુ રાખવાનો નિર્ણય
OPEC અને તેના સહયોગી દેશોએ તેલ ઉત્પાદનમાં પોતપોતાનું લેવલ જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. જ્યારે ફ્યુઅલ ડિમાન્ડ પ્રી-કોવિડ લેવલ પર પહોંચી ગઈ છે. આ સંજોગોમાં વાયદા બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત ગુરુવારે 4.2 ટકા, એટલે કે 2.67 ડોલર પ્રતિ બેરલ વધીને 66.74 થઈ ગઇ છે. આ પહેલાં જાન્યુઆરી 2020માં આ ભાવ 67.75 ડોલર પ્રતિ બેરલના સ્તર પર હતો. અમેરિકન બજારમાં પણ ગુરુવારે ક્રૂડ ઓઈલના વાયદાનો ભાવ 5.6 ટકા વધીને 64.70 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે.
સાઉદીનું જક્કી વલણ
સાઉદી અરબની આગેવાનીમાં OPEC દેશો અને રશિયાના નેતૃત્વમાં OPECના સહયોગ તેલ ઉત્પાદક દેશોની ઓનલાઈન મીટિંગમાં પ્રોડક્શનમાં ઘટાડો જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દુનિયાના સૌથી મોટા તેલ ઉત્પાદક સાઉદી અરબ રોજના 10 લાખ બેરલનો ઘટાડો ઓછામાં ઓછા એપ્રિલ સુધી ચાલુ રાખશે. જોકે રશિયા, કઝાકિસ્તાન તેલના ઉત્પાદનમાં થોડો વધારો કરી શકે છે.
