Not Set/ ચીનમાં ઇન્ટરનેટ પર આવો સવાલ પૂછ્યો તો થશે 3 વર્ષની જેલ, નવો કાયદો લાગૂ

ચીનમાં એક નવો કાયદો આવ્યો છે જેને ભારત સાથેની ગલવાન હિંસા સાથે જોડવામાં આવી રહ્યો છે.

Top Stories World

ચીનમાં એક નવો કાયદો આવ્યો છે જેને ભારત સાથેની ગલવાન હિંસા સાથે જોડવામાં આવી રહ્યો છે. ચીનમાં સૈનિકોના મોત અંગે ઇન્ટરનેટ પર સવાલ પૂછવો હવે ગુનો ગણાશે. કોઇપણ ચીની નાગરિક સોશિયલ મીડિયા પર ચીની સૈનિકોના મોત સાથે જોડાયેલો કોઇપણ સવાલ પૂછશે તો તેને ઓછામાં ઓછી 3 વર્ષની જેલની સજા થશે. મહત્વનું છે કે ગત મહિને જ ચીને ભારતીય સેનાની સાથે ગલવાનમાં થયેલી હિંસામાં પોતાના ચાર સૈનિકોના મોતની વાતને કબૂલી હતી. ચીને જૂનમાં થયેલી આ ઘટનાના લગભગ 8 મહિના બાદ પણ પોતાના સૈનિકોના મોતની સચ્ચાઇને સ્વીકારી નહોતી.

ગલવાન પર સવાલ કરનારા બ્લોગરની ધરપકડ

ચીને ગત મહિને 19 ફેબ્રુઆરીના રોજ લિટલ સ્પાઇસી પેન બૉલ નામથી એક બ્લૉગને ચલાવનારા કિઉ જિમિંગની એટલા માટે ધરપકડ કરી હતી કારણ કે તેણે ગલવાનમાં ચીની સૈનિકોના મોત સાથે જોડાયેલો એક સવાલ પૂછ્યો હતો. મહત્વનું છે કે પૂર્વ પત્રકાર કિઉ જિંમિંગના બ્લોગને ચીનમાં ખાસ્સો પસંદ કરવામાં આવે છે. ચીની સોશિયલ મીડિયા વીબો પર તેમના આ બ્લોગને અંદાજે 25 લાખ લોકો ફોલો કરે છે.

આરોપ સાબિત થાય તો 3 વર્ષની કેદ

કિઉ જિમિંગે પોતાના બ્લોગમાં સવાલ પૂછ્યો હતો કે જો ચાર ચીની સૈનિક પોતાના સાથિઓને બચાવવાની કોશિશમાં માર્યા ગયા છે તો એવા લોકો જરુર હશે જેમને સફળતાપૂર્વક બચાવી શકાયા નથી. જેનો અર્થ મૃતકોની સંખ્યા માત્ર ચાર ન હોઇ શકે. આ પોસ્ટ પછી કિઉની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પર દેશની સામે અપરાધ કરવાનો આરોપ લગાવાયો છે. જો આરોપ સાબિત થશે તો આ બ્લોગરને ત્રણ વર્ષની સજા થઇ શકે છે.

ચીનની પોલીસે ઓછામાં ઓછા 6 એવા લોકોની ધરપકડ કરી છે જેમણે સોશિયલ મીડિયા પર સૈનિકોના મોતના સવાલ પૂછ્યા હતા. મહત્વનું છે કે ચીનની સરકાર એ લોકોને ક્રાંતિકારી અને શહીદ માને છે જેમણે કોમ્યુનિસ્ટ પાર્ટી માટે પોતાનું બલિદાન આપ્યું છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતાના કાર્યકાળ દરમિયાન પહેલેથી જ સોશિયલ મીડિયા પર લગામ લગાવવાની તરફેણ કરતા રહ્યા છે.