પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા ભાજપ અને ટીએમસી વચ્ચે વાર-પલટવાર ચાલુ છે. સોમવારે ભાજપના નેતા અને નંદીગ્રામના ભાજપ ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ મમતા બેનરજી પર મુસ્લિમોના તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો.
અધિકારીએ કહ્યું કે બેગમ મમતા બેનર્જી તુષ્ટિકરણ કરતા-કરતા બંગાળને મિની પાકિસ્તાન બનાવી દેશે. તો બીજી બાજુ મમતાએ શુભેન્દુ પર યુપી-બિહારના ગુંડાની મદદ માંગવાનો આરોપ લગાવતા કહ્યું કે તે રૉયલ બંગાળ ટાઇગર છે અને શેરનીની જેમ જવાબ આપશે.
નંદીગ્રામમાં શુભેન્દુ અધિકારીએ કહ્યું કે, ‘મમતા બેનર્જીને ઇદ મુબારક કહેવાની આદત છે. એટલે તેમણે હોળીની શુભકામનાના બદલે હોળી મુબારક કહ્યું. બેગમને વોટ ના આપતા. જો તમે બેગમને વોટ આપશો તો તે બંગાળને મિની પાકિસ્તાન બનાવી દેશે. બેગમ સુફિયાન સિવાય કોઇને પણ નથી ઓળખતી. બેગમ અચાનક બદલાઇ ગઇ અને મંદિરોમાં જવા લાગી કારણ કે તેમને હાલનો ડર છે.
શુભેન્દુઓ લોકોને યોગી આદિત્યનાથ સરકાર જેવી વ્યવસ્થાને બંગાળમાં લાવવાનો વાયદો કર્યો છે. તેમણે કહ્યું કે જો ઉત્તર પ્રદેશ બદલાઇ શકે છે તો આપણે પણ બદલાઇશું. અધિકારીએ મમતા પર પ્રહાર કરતા કહ્યું કે પહેલા તે રેલી માટે કાર વાપરતી હતી હવે હેલિકૉપ્ટરમાં જાય છે. પહેલા તે અજંટાના જુતા પહેરતી હતી હવે બ્રાન્ડેડ જુતા પહેરે છે. પહેલા તે 400 રુપિયાની સાડી પહેરતી હતી અને હવે 6 હજારની સાડી પહેરે છે. જ્યારે મારામાં કોઇ ફેરફાર નથી આવ્યો, હું 2004માં જેવો હતો તેવો આજે પણ છું. તેમણે લોકોને અપીલ કરી કે તેમણે બેગમ અને બેટા, ભાઇ-દોસ્તમાંથી કોઇ એકને પસંદ કરવાનો છે.
