અમદાવાદ ખાતે તાજેતરમાં જ દેશના ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ડી.આર.ડી.ઓના સહયોગથી 900 બેડની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. જેમાં 250 આઇ.સી.યુ. બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો સમયસર ઉપલબ્ધ બને તે માટે સિનિયર અધિકારીઓ 24 કલાક મોનિટરીંગ કરી રહ્યા છે. રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ છે. તે ઉપરાંત નવા 11 PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કામગીરી ચાલુ થઈ ગઈ છે. આ કડીમાં હવે વટવા ખાતે વધુ એક શ્રેષ્ઠ સુવિધા ધરાવતી કોવિડ કેર હોસ્પિટલનો પ્રારંભ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
વટવા ખાતે સમરસ હોસ્પિટલનો પ્રારંભ
અમદાવાદના વટવા ખાતે સમરસ હોસ્પિટલનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો. વટવા, વસ્ત્રાલ તેમજ રામોલ વિસ્તારના કોરોના સંક્રમિત દર્દીઓ માટે ખાસ કોવિડકેર આઇસોલેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. સાંસદ હસમુખ પટેલ તેમજ જગદીશ પંચાલના સહયોગથી આ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનો હેતુ ઘરમાં રહીને પણ દર્દી સંક્રમણ ફેલાવે નહિ અને સંક્રમણ આગળ વધતો અટકી જાય તે છે. અમદાવાદ મહાનગરપાલિકા અને વટવા ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી આ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેન્ટરનો પ્રારંભ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે “કોરોનાની સાંપ્રત પરિસ્થિતીમાં માનવજીવને બચાવવા માટે તથા લોકો ઓછા સંકમિત થાય એ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત અસરકારક કામગીરી કરી રહી છે. તેમ છતાંય કેટલાક વિકૃત લોકો મોતના સોદાગર બનીને માનવજીવન હણાય એ માટે ચેડા કરીને રેમડિસીવર ઇન્જેકશનનું નકલી વેચાણ કરવાનો પ્રયાસ કરી રહયા છે એમની સામે રાજય સરકાર કડક હાથે સખ્તાઇથી કામગીરી કરશે એટલે આવા કાળા બજારીયા અને સંગ્રહખોરી કરનારા તત્વો ચેતી જાય.”
રાજ્યમાં જેમ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ રાજ્ય સરકાર વધુને વધુ સક્રિય થતી જાય છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આગેવાનીમાં રાજ્ય સરકાર નાગરિકોને સર્વોત્તમ સારવાર મળી રહે અને આરોગ્યની બાબતમાં સહેજ પણ કચાશ ન રહે તે માટે ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ જેવા અભિયાનો થકી નિર્ણાયક કામગીરી કરી રહી છે.
કોરોનાના કપરાકાળમાં રાજ્યના નાગરિકોને ત્વરીત સારવાર પૂરી પાડવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત અવિરતપણે કામગીરી કરી રહી છે.
રાજ્યમાં કોરોનાની સારવાર માટે 15 માર્ચના રોજ 41,870 પથારીઓ ઉપલબ્ધ હતી જે વધારીને આજે 96,066 પથારીઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

