ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ પછી જે રીતે હિંસા થઈ છે તે અંગે જણાવ્યું હતું કે, હિંસા થઇ રહી છે એ સદંતર ખોટું છે. હિંસાને ક્યારેય વ્યાજબી ઠરાવી શકાય નહીં. લોકશાહીમાં હાર અને જીત તો એની સુંદરતા છે. પરંતુ જીત થઇ હોય તો છકી જવાનું હોતું નથી અને હાર થાય તો નિરાશ થવું ના જોઈએ . રાજકીય પક્ષોને હાર અને જીત બંને પચાવતા આવડવી જોઈએ. કોંગ્રેસ પક્ષ કોઈ પણ પ્રકારની હિંસાના સમર્થમમાં નથી.
ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળની હિંસા પછી આખા દેશવ્યાપી ધરણાના કાર્યક્રમો કરી રહી છે પરંતુ આખા દેશની ભારતીય જનતા પાર્ટી ખરેખર પ્રજાના પ્રશ્નો માટે ઉપવાસ પર બેઠી હોત તો લેખે લાગત અને જનતાને પણ હાશકારો થાત કે દેશમાં લોકશાહી હજુ જીવે છે અને પોતાની જ પાર્ટીની સરકાર સામે પણ ઉપવાસ પર ઉતર્યા કે ધરણા કર્યા.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીને જયારે લોકોને કોરોનાના અતિક્રમણ જયારે એની મહત્તમ ટોચે છે ત્યારે ગુજરાતની કે દેશની જનતાને પૂરતા પ્રમાણમાં ટેસ્ટીંગ ના થતું હોય , ટેસ્ટીંગ થાય તો હોસ્પિટલમાં દાખલ થવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સનો નંબર ના લાગે , ભૂલથી લાગી જાય ત્યારે ૭૨ કલાકનું વેઈટીંગ મળે, માંડ માંડ હોસ્પિટલ પહોંચીએ ત્યારે બેડ ના મળે , લાગવગ કરી ને બેડ મળે તો ઓક્સિજનનો બાટલો ના મળે , બાટલો મળે તો રિફિલિંગ ના મળે પછી ફેબીફલ્યુ દવા ના મળે , રેમડેસીવીર અને ટોસીલીઝુમેબ ઇન્જેક્શન ના મળે છેવટે બધું મળે તો વેન્ટિલેટર્સ ના મળે…. આટલા બધા પ્રશ્નો માટે ભારતીય જનતા પાર્ટીએ ધરણા કાર્ય હોત તો વ્યાજબી લેખાત પરંતુ પ્રજાના આ સળગતા પ્રશ્નોને કોરાણે મૂકી રાજકીય તાયફા કરવા ટેવાયેલી ભારતીય જનતા પાર્ટી જનતા વચ્ચે હાસ્યાસ્પદ બની છે.
આજે જયારે આખો દેશ જયારે પશ્ચિમ બંગાળની મમતા બેનરજીની પ્રચંડ જીતની ચર્ચા કરી રહી છે ત્યારે ત્યાંની હિંસાની પણ ચર્ચા થાય પરંતુ ભારતીય જનતા પાર્ટી એને રાજકીયરૂપ આપી સમગ્ર દેશમાં ધરણાના કાર્યક્રમો જાહેરમાં યોજે ત્યારે કોરોનાના આ કપરા કાળમાં આચારસંહિતાનો ભંગ કરે ત્યારે વાડ જ ચીભડાં ગળે તેવો ઘાટ છે પરંતુ દુઃખ એ વાતનું છે કે આજે જે બંગાળની દુર્ઘટના પર કેટલાક લોકો મગરના આંસુ પાડી રહ્યા છે એ આંસુઓનું પૃથક્કરણ કરવા જેવું છે .

