આણંદ જિલ્લાના આંકલાવ ખાતે આવેલા મોટીસંખ્યાડ ગામે રોયલ ફાર્મમાં કેટલાક શખ્સો ભેગા મળી દારૂની મેહફિલ માણી રહ્યાં હોવાની વાત પોલીસને પેટ્રોલીંગ દરમિયાન ધ્યાને આવી હતી. પોલીસે ફાર્મ હાઉસને કોર્ડન કરી રેઇડ કરી અને જેમાં યુવકો અને 4 યુવતિઓ ડ્રિન્ક એન્ડ ડાન્સની મજા લેતા ઝડપાયા હતા.
આ અંગે પોલીસે માહિતી આપતા જણાવ્યું હતુ કે, જે સ્થળ ડ્રિન્ક એન્ડ ડાન્સ પાર્ટી ચાલી રહીં હતી તે રોયલ ફાર્મ વડોદરાના વિપુલ અગ્રવાલનુ છે. આ ફાર્મ હાઉસમાં કેટલાક શખ્સો મોટી સંખ્યામાં ભેગા મળી દારૂ અ ડાન્સની મહેફિલ માણી રહ્યાં હોય તેવી જાણ પેટ્રોલીંગમાં રહેલા પોલીસ અધિકારીઓને મળી હતી. જેના આધારે ફાર્મ હાઉસમાં રેઇડ કરતા કુલ 13 લોકો મળી આવ્યાં હતા. જેમાં 9 યુવકો અને 4 યુવતિઓ શામેલ છે. પોલીસે ફાર્મ હાઉસમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો અને બીયર મળી આવી હતી.
બનાવને પગલે આંકલવ પોલીસે 4 યુવતિઓ સહિત 13 લોકો સામે જાહેરનામા ભંગ અને પ્રોહિબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ફાર્મ હાઉસમાંથી મળી આવેલી દારૂની બોટલો તેમજ ફોર વ્હિલ કાર, બાઇક અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 20 લાખ ઉપરાંતો મુદ્દામાલ કબજે કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ સંદર્ભે પોલીસે જણાવ્યું છે કે, ફાર્મ હાઉસમાં ડ્રિન્ક એન્ડ ડાન્સની પાર્ટી માણતા ઝડપાયેલા 13 પૈકી સમિર તિવારી અને શિષીર તિવારી દિલ્હી ખાતે ન્યૂઝ એજન્સી ચલાવે છે. જેથી તેઓ વડોદરા ખાતે સોશિયલ મીડિયા પર ચાલતી ન્યૂઝ ચેનલની એજન્સી લેવા માટે આવ્યાં હોવાનુ જાણવા મળી રહ્યું છે.
