દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે તેમની અમદાવાદની મુલાકતે આવ્યા હતા. અમદાવાદમાં આપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે જાહેરાત કરી છે કે ગુજરાતમાં 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ 182 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કરશે. વરિષ્ઠ પત્રકાર ઇસુદાનભાઇ ગઢવી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપ પાર્ટીમાં જોડાયા હતા.
આપ કાર્યાલયના ઉદઘાટન પૂર્વે એક પત્રકાર પરિષદને સંબોધતા કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં સત્તાધારી ભાજપ અને વિપક્ષી કોંગ્રેસ વિરુદ્ધ ‘આપ’ એ વિશ્વસનીય વિકલ્પ છે. તેમણે કહ્યું કે, ‘2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપ તમામ 182 બેઠકો પર ચૂંટણી લડશે. આપ એ ભાજપ અને કોંગ્રેસ વિરુદ્ધ વિશ્વસનીય વિકલ્પ છે. ગુજરાતમાં ટૂંક સમયમાં પરિવર્તન આવશે.

“કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે”
આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘આજે ગુજરાતની હાલત માટે ભાજપ અને કોંગ્રેસ સરકાર જવાબદાર છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં એક જ પાર્ટીની સરકાર છે. પરંતુ છેલ્લા 27 વર્ષ આ બંને પક્ષો વચ્ચેની મિત્રતા પણ એટલી જ વધી છે. બધાને ખબર છે કે ગુજરાતમાં કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ સરકારી શાળાઓ અને હોસ્પિટલો જર્જરિત હાલતમાં છે. વેપારી સમુદાય ભયભીત છે.

જ્યારે પૂછવામાં આવ્યું કે શું આમઆદમી પાર્ટી સત્તામાં આવશે તો ‘દિલ્હી મોડેલ’ ગુજરાતમાં લાગુ થશે? આ તરફ કેજરીવાલે કહ્યું, ‘દરેક રાજ્યની પોતાની સમસ્યાઓ અને નિરાકરણ હોય છે. ગુજરાતની જનતા વિકાસનું પોતાનું મોડેલ પસંદ કરશે. તમને જણાવી દઈએ કે, આ બીજી વખત છે જ્યારે કેજરીવાલ ગુજરાત આવ્યા છે. આ અગાઉ તેઓ ફેબ્રુઆરીમાં સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલીવાર મેદાનમાં ઉતરનાર તેમનો પક્ષ મુખ્ય વિરોધી પક્ષ તરીકે ઉભરી આવ્યો છે.
