બનાસકાંઠા જિલ્લામાં ૦ થી ૧૮ વર્ષના કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકોના આશ્રય માટે પાલનપુર ખાતે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને સ્પેશ્યલાઇઝ્ડ એડોપ્સન એજન્સી આ બન્ને સંસ્થાઓ કાર્યરત છે. સ્પેશ્યલાઇઝ્ડ એડોપ્સન એજન્સીના અનાથ બાળક નિરજને અમેરિકાના વાલીને દત્તકમાં આપવા માટેનો કાર્યક્રમ પાલનપુર ચિલ્ડ્રન હોમ ખાતે યોજાયો હતો.
બાળક નિરજના જન્મથી લઇ અમેરિકન માતા-પિતા મળવા સુધી સફર આ પ્રમાણે છે.
તા. ૨૦ માર્ચ-૨૦૧૯ના રોજ રાત્રે-૮.૩૦ કલાકે પાલનપુર ખાતે સંસ્થાના મુખ્ય ગેટ આગળ રાખવામાં આવેલ પારણામાં કોઇ અજાણી વ્યક્તિ કુમળા ફુલ જેવા નવજાત બાળકને મુકીને જતું રહ્યું હતું, જેની જાણ સંસ્થાના કર્મચારીને થતાં તાત્કાલીક ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેનને જાણ કરવામાં આવી અને બાળકને સીવીલ હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યું તથા સંસ્થા દ્વારા આ બાળકનું નામ નિરજ પાડવામાં આવ્યું. જન્મ સમયે બાળક નિરજનું વજન માત્ર ૯૦૦ ગ્રામ હોવાથી તેને તા.૨૦ માર્ચ-૨૦૧૯થી ૧૫ એપ્રિલ-૨૦૧૯ એટલે કે ૨૭ દિવસ સુધી સઘન સારવાર આપવામાં આવી.
તેના માથાનો ભાગ થોડો મોટો હોવાથી એમ.આર.આઇ.કરાવી વિવિધ પ્રકારના મેડીકલ ટેસ્ટ પણ કરાવ્યા, વિવિધ પ્રકારના મેડીકલ ટેસ્ટ અને સારવાર કરાવતાં ખબર પડી કે બાળક નિરજ અધુરા માસે જન્મેલ હોવાથી મગજના લકવાની બિમારી છે. તેમ તબીબોએ જણાવ્યું, તેથી આ બાળકને સ્પેશ્યલ નીડ જાહેર કરવામાં આવ્યું હતું. બાળક નિરજને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા લીગલી ફ્રી ફોર એડોપ્શન જાહેર કરતાં દત્તક આપવાની પ્રક્રિયા માટે મુકવામાં આવ્યું હતું. બાળક નિરજ સ્પેશ્યલ નીડ બાળક હોવાથી ગાઇડલાઇન મુજબ ઇન્ટરકન્ટ્રી એડોપ્શ ન માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું.

જેમાં અમેરિકાના દંપતિ લોરીઅન્સ ઓલીવર વોઘન અને શ્રીમતી મેડલીન ડોરી વોઘને બાળક નિરજને દત્તક લેવા માટે પસંદ કર્યુ હતું. આ બાળક નિરજનું નવું નામ જોશિયા નિરજ બોઘન રાખવામાં આવ્યું છે. બાળક દત્તક આપવા અંગેની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જેનું આ દુનિયામાં કોઇ નહોતું તેને નવા માતા-પિતા, નવો દેશ સાથે નવી જિંદગી મળી છે.
