Not Set/ ફાટકમુક્ત ગુજરાત’ માટે રેલવે મંત્રાલયનો આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઉપરાંત ‘ફાટકમુક્ત ગુજરાત’નો પણ સંકલ્પ કર્યો છે. તે અંગે પણ કેન્દ્રિય રેલમંત્રીને તેમણે વાકેફ કર્યા હતા.

Top Stories Gujarat Others

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ગાંધીનગરમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની યોજાયેલી બેઠકમાં તેમણે પ્રોજેક્ટ તેમજ ‘ફાટકમુક્ત ગુજરાત’ના મુખ્યમંત્રીના નવતર અભિગમની વિસ્તૃત જાણકારી મુખ્યમંત્રી પાસેથી મેળવી હતી. રાજકોટ રાજ્યના સૌથી વધુ ઝડપે વિકાસ પામી રહેલા મહાનગરોમાંનું એક મહાનગર છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણાય છે. જ્યારે અમદાવાદ રાજ્યની આર્થિક રાજધાનીના રૂપમાં વિકસ્યુ છે. આ બંને મહાનગરને જોડનારો સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ અત્યારના માર્ગ આધારિત પરિવહનનો એક સમયાનુકૂળ વિકલ્પ બનશે. આ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ શરૂ થતાં રાજકોટ અમદાવાદ વચ્ચેનું અંદાજે ૨૨૫ કિલોમીટરનું અંતર બે થી પણ ઓછા કલાકમાં કાપી શકાશે કેમકે આ સેમી હાઈસ્પીડ રેલની મહત્તમ ગતિમર્યાદા ૧૬૦થી ૨૨૦ કિમી પ્રતિ કલાકની છે.

અમદાવાદ-રાજકોટ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટના ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ- DPR પશ્ચિમ રેલવે દ્વારા તૈયાર કરીને કેન્દ્રીય રેલવે મંત્રાલયમાં મોકલી આપવામાં આવ્યા છે તે પણ આખરી નિર્ણાયક તબક્કામાં છે. આ પ્રોજેક્ટ માર્ગ પરના ટ્રાફિક ભારણને હળવું કરવા સાથે પર્યાવરણપ્રિય, ઝડપી અને સક્ષમ યાતાયાત સેવા પણ નાગરિકોને સરળતાએ પૂરી પાડશે. આ બેઠકમાં ચર્ચા-પરામર્શ દરમિયાન વધુ વિગતોમાં એમ પણ જણાવવામાં આવ્યું કે, આ પ્રોજેક્ટ રાજકોટ-અમદાવાદ બે મહાનગરોને જોડવા સાથે સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતના ૧૧ જિલ્લાઓના પણ આર્થિક વાણિજ્યિક અને પ્રવાસન વિકાસની નવી દિશા ખોલનારો પ્રોજેક્ટ થવાનો છે. વળી આ પ્રોજેક્ટ એલિવેટેડ કોરિડોરથી સાકાર થવાનો હોવાથી જમીન સંપાદનની જરૂરિયાત પણ ઓછી રહેશે.

સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટના કારણે સૌરાષ્ટ્ર- રાજકોટના લોકો બે કલાકથી ઓછા સમયમાં અમદાવાદ પહોંચી શકશે અને ભવિષ્યમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન શરૂ થતાં તેનો પણ લાભ લઇ પાંચ-સાત કલાકમાં મુંબઈ સુધી પહોંચી શકશે. આના પરિણામે રાજકોટ-સૌરાષ્ટ્રનો કોઈ પણ વ્યક્તિ સવારે પોતાના ઘરેથી નીકળી મુંબઇ જેવા મહાનગરમાં પોતાનું કામકાજ પતાવીને એ જ દિવસે મોડી રાત સુધીમાં પોતાના ઘરે પરત ફરી શકશે. સમગ્રતયા, સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ રાજકોટ અને સૌરાષ્ટ્રના સર્વગ્રાહી વિકાસને વેગ આપશે. મુખ્યમંત્રીએ આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઉપરાંત ‘ફાટકમુક્ત ગુજરાત’નો પણ સંકલ્પ કર્યો છે. તે અંગે પણ કેન્દ્રિય રેલમંત્રીને તેમણે વાકેફ કર્યા હતા.

રાજ્યના નગરો-મહાનગરોમાં રેલવે ફાટકના કારણે વાહન વ્યવહારમાં ટ્રાફિક જામ, ઈંધણ અને સમયનો વ્યય થતો અટકાવી નાગરિકોને ઈઝ ઓફ લિવિંગ – ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાના હેતુસર રાજ્યમાં રેલવે ઓવરબ્રિજ, રેલ્વે અંડરબ્રીજના નિર્માણથી ‘ફાટકમુક્ત ગુજરાત’ની મુખ્યમંત્રીની નેમ છે.

આ હેતુસર રાજ્યના મહાનગરો-નગરોમાં રેલવે ઓવરબ્રીજ અને રેલવે અન્ડરબ્રીજના મળીને ૫૯ કામો રૂ. ૧૨૦૨ કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે.
મુખ્યમંત્રીએ ‘ફાટકમુક્ત ગુજરાત’ના નિર્માણમાં પણ રેલવે મંત્રાલય દ્વારા મળી રહેલા સહકાર માટે રેલવેમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. રેલ રાજ્યમંત્રી અને સુરતના સાંસદ દર્શનાબહેન જરદોશ પણ આ વેળાએ જોડાયા હતા.