ગુનાઓની વ્યાખ્યામાં એક નવી વ્યાખ્યા ઉમેરાઈ છે, જે છે સાયબર ક્રાઇમ. સાયબર ક્રાઇમના ગુનાઓ જેવી રીતે સતત વધી રહ્યા છે તેના કારણે લોકોની સાથે પોલીસની સમસ્યાઓમાં અત્યંત વધારો થઈ રહ્યો છે. જો કે, અત્યારે ભારતમાં અત્યાધુનિક ટેકનોલોજી આવી જવાને કારણે આવ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ હવેથી પકડાતાં થઈ ગયા છે અને લોકોના ફસાઈ ગયેલા રૂપિયા પણ હવે પરત આવવા લાગ્યા છે. જેનો એક જીવતો જાગતો નમૂનો આણંદ શહેરમાંથી સામે આવ્યો છે.
આણંદના વૃદ્ધને ફોન પે માંથી બોલું છું તેમ કહી કેશ-બેકની લાલચ આપી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી, તેમના ખાતામાંથી રુ.54077 પડાવી લીધા હતા. જે પૈકી સાઈબર ક્રાઈમ પોલીસે તેમને રુ. 20352 પરત અપાવ્યા છે.
આણંદમાં રહેતા વિપીનભાઈ રમણભાઈ પટેલ ઉંમર વર્ષ 61 ઉપર અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન આવ્યો હતો અને ફોન પે થી બોલું છું તેમ કહી કેશ-બેકની લાલચ આપી એનીડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી હતી. અને તેમની જાણ બહાર તેમના આઈઓબીના ખાતામાંથી તબક્કાવાર રુ.54077 ઓનલાઈન ટ્રાન્સફર કરી લેવાયા હતા. જેની જાણ વીપીનભાઈને થતા તેમણે સાઈબર ક્રાઈમ આણંદનો સંપર્ક સાધ્યો હતો.
વૃદ્ધ સાથે છેતરપીંડી થઈ હોય સાઈબર ક્રાઈમના PI એલ.ડી.ગમારા, PSI યુ.બી.પટેલ, હેકો મુસ્તકીમમીયા, મહિલા પો.કો હિરલબેન વગેરે તરત જ વિપીનભાઈના મોબાઈલ પર આવેલ મેસેજો અને બેંક સ્ટેટ બેંકની ચકાસણી કરી ફ્રોડ ટ્રાન્ઝેકશન રોકવા પત્ર વ્યવહાર કર્યો હતો. અને તેમની ગયેલ રકમમાંથી રુ.20352 તેમના ખાતામાં પરત કરાવ્યા હતા.
