તાલિબાનોએ બે દાયકાઓ બાદ ફરી એકવાર અફઘાનિસ્તાન પર સત્તા હાંસિલ કરી લીધી છે. તેમની સરકાર દરમિયાન મહિલાઓને તેમના ઘરમાં કેદ રહેવાની ફરજ પાડનાર તાલિબાનોએ આ વખતે મહિલાઓને સરકારમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે ગની સરકાર માટે સમર્થન કરનાર અને અન્ય દેશો તેમજ તેના વિરોધીઓ સાથે કામ કરનારાઓ માટે સંપૂર્ણ માફી જાહેર કરી છે.
તાલિબાનના ઇસ્લામિક અમીરાત સાંસ્કૃતિક આયોગના સભ્ય ઇનામુલ્લા સામંગણીએ તમામ સરકારી કર્મચારીઓને કામ પર પાછા ફરવા માટે આગ્રહ કર્યો છે. જ્યારે મહિલાઓએ સરકારમાં જોડાવાની વાત કરી છે અને વિરોધીઓને માફ કરવાની જાહેરાત પણ કરી હતી. સામંગણીએ વધુમાં કહ્યું કે તાલિબાનથી ડરવાની જરૂર નથી. દરેક વ્યક્તિએ સરકાર ચલાવવામાં નિર્ભયપણે સહકાર આપવો જોઈએ.
તાલિબાને 1996 થી 2001 સુધી અફઘાનિસ્તાન પર શાસન કર્યું. તે દરમિયાન મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેને એકલા ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ હતો. નોકરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પર્દા વગર ઘરથી બહાર નીકળે તો સજા આપવામાં આવતી હતી. અને લોકોને રસ્તાની વચ્ચે મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા હતા.
મહિલાઓની ચિંતાઓને સંબોધતા સામંગણીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં 40 વર્ષના સંકટ દરમિયાન મહિલાઓ સૌથી વધુ પીડિત રહી છે. અફઘાનિસ્તામા ઇસ્લામિક અમીરાત મહિલાઓને વધુ સારું કામ અને શિક્ષણ આપવા માટે તૈયાર છે. તે સાંસ્કૃતિક મૂલ્યો અને ઇસ્લામિક કાયદા અનુસાર સરકારી વ્યવસ્થામાં મહિલાઓને સ્થાન આપવા માટે પણ તૈયાર છે.
તાલિબાનના આગમન બાદ મહિલાઓમાં ગભરાટ અને ભય છે. એક મહિલા પત્રકારે પોતાનું નામ ગુપ્ત રાખીને કહ્યું કે તે તેના એક સંબંધી સાથે છુપાઈ રહી છે. તે પોતાના ઘરે પાછા ફરતા ડરે છે, કારણ કે તાલિબાન આતંકવાદીઓ પત્રકારોને શોધી રહ્યા છે. તેણી અથવા અન્ય મહિલાઓને ખાતરી નથી કે તાલિબાન જે રીતે કાર્ય કરે છે તે બદલાઈ ગયું છે.
