ચુડાના બગીચા પાસે રહેતા ભુપત ત્રીકમભાઈ વાઘેલાએ રહેણાકનું મકાન રૂ.8 લાખની કિંમતે વહેંચવા માટે કાઢ્યું હતું. ચુડામાં લાલપરા બગીચા પાસે રહેતા પ્રકાશભાઈ જેરામભાઈ લકુમે તા.9 માર્ચના રોજ ચુડા સબ રજીસ્ટ્રાર કચેરીમાં બે સાક્ષી સાથે રાખીને ભુપત વાઘેલાને 6 લાખ રૂપિયા આપી મકાનનું બાનાખત કરાવ્યું હતું. તા.13 જુલાઈના રોજ બાકીના રૂપિયા 2 લાખ આપી બે સાક્ષીની સહિ, વીડિયો રેકોર્ડિંગથી ખરાઈ કરી મકાનનો દસ્તાવેજ કરી આપ્યો હતો.
ભુપત વાઘેલાએ ઘરવખરી પડી હોવાથી થોડા દિવસો મકાન વાપરવા આપવાનું મકાન લેનાર પ્રકાશભાઈ લકુમને કહ્યું હતું. ઘણાં દિવસો વીતી જવા છતાં વધુ પૈસા લેવાની લાલચે ભુપત મકાન ખાલી કરી આપતો નહોતો. તા.29 જુલાઈના રોજ પ્રકાશે કલેક્ટર કચેરીએ આ અંગે ફરિયાદ કરી હતી. તા.21 ઓગસ્ટના રોજ યોજાયેલી બેઠકમાં આ કામના ફરિયાદીને ભુપત વાઘેલા સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવા સુચના આપવામાં આવી હતી. સુચનાને ધ્યાનમાં રાખીને ભુપત લકુમ વિરુદ્ધ ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.
