Dwarka News : સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિશે અવારનવાર કરવામાં આવતી વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં દ્વારકા વિશે એક વિવાદાસ્પદ લખાણ પ્રકાશિત થયું છે, જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે “દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ.” આ નિવેદનને કારણે સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે.
આ વિવાદાસ્પદ લખાણના વિરોધમાં આજે (25 માર્ચે) દ્વારકાધીશ જગત મંદિરના પૂજારીઓ, સમસ્ત ગૂગળી બ્રાહ્મણ સમાજ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં જોડાયેલા લોકોએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને તેમના નિવેદન બદલ માફી માંગવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક ગ્રંથમાં વિસ્ફોટક નિવેદનથી ચકચાર
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છેલ્લાં વર્ષોમાં અનેકવાર તેમનાં વિવાદાસ્પદ નિવેદનો અને બફાટોને કારણે વિવાદોમાં રહ્યા છે. ત્યારે ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના જ ‘શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુશ્રી ગોપાળાનંદજી સ્વામીની વાતો’ નામના પુસ્તકની વાર્તા નંબર 33માં દ્વારકા વિશેના કથિત વિવાદાસ્પદ ઉલ્લેખને કારણે નવો વિવાદ સર્જાયો છે.
સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ
આ તાજેતરના વિવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક પુસ્તકમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જાણે દ્વારકાધીશ ભગવાનના અસ્તિત્વ પર જ સવાલ ઉઠાવવામાં આવી રહ્યો હોય. પુસ્તકમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ‘દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ’. આ લખાણને કારણે સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ ફેલાયો છે.
સ્વામિનારાયણ સંતે નવો વિવાદ છેડતાં ભક્તોએ વિશાળ રેલી યોજી
આજે, આ વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં, દ્વારકામાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી પહેલાં, લોકો જગત મંદિરમાં એકઠા થયા અને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ, સરઘસ સ્વરૂપે રેલી દ્વારકાના મુખ્ય માર્ગો પર નીકળી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી આ રેલીમાં અનેક લોકો જોડાયા હતા અને વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રેલી બાદ, લોકો દ્વારકા પ્રાંત કચેરીએ પહોંચ્યા અને પ્રાંત અધિકારીને આ બાબતની જાણકારી આપી. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આ મામલે હસ્તક્ષેપ કરીને સમાજને ન્યાય અપાવવા માટે અપીલ કરી હતી.
‘સ્વામિનારાયણ સંપ્રદાય દેશની પરિસ્થિતિને ખરાબ કરે છે’
શારદાપીઠના શંકરાચાર્ય બ્રહ્મચારી નારાયણનંદજીએ આ ઘટના અંગે પોતાનો મત વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કૃષ્ણના અસ્તિત્વને નકારવું એ ખૂબ જ ખોટું છે. તેમણે સોશિયલ મીડિયા પર પ્રચાર માટે કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓને વખોડી કાઢી હતી. તેમણે દેશના નેતાઓને આ બાબતે ધ્યાન આપવા જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય નિયમિત રીતે કોઈને કોઈ વિવાદ ઊભો કરીને ગુજરાત અને દેશની પરિસ્થિતિને ખરાબ કરી રહ્યો છે.
વિવાદાસ્પદ વક્તા સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવાની માગ
સોશિયલ મીડિયા અને દ્વારકામાં અનેક હિન્દુ સનાતનધર્મી સંતો, મહંતો, આગેવાનો અને સ્થાનિકોએ આ કથિત નિવેદનની જાહેરમાં ટીકા કરી છે અને રોષ વ્યક્ત કર્યો છે. ગઈકાલે બ્રહ્મપુરીમાં યોજાયેલી એક બેઠકમાં વિવાદાસ્પદ વક્તા સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવાની માગ કરવામાં આવી હતી. આ સાથે, હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર લખાણ ધરાવતાં પુસ્તકોનો નાશ કરવાની માગ પણ કરવામાં આવી છે. દ્વારકામાં માત્ર ગૂગળી બ્રાહ્મણો જ નહીં, પરંતુ અન્ય સમાજના લોકોએ પણ આ વિરોધને ટેકો આપ્યો છે. રેલીમાં ભૂદેવો, બ્રહ્મસમાજ, આહીર સેના, હિંદુ સેના સહિત અનેક સંગઠનોએ ભાગ લીધો હતો.
હિંદુ સમાજે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું
સ્વામિનારાયણ સંપ્રદાયના જે લોકોએ ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે, તેમને 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આ સમયગાળામાં તેઓ દ્વારકા આવીને દ્વારકાધીશના શરણે પોતાના વચનો પાછા ખેંચે અને ભવિષ્યમાં ક્યારેય પણ હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી નહીં કરે તેવી ખાતરી આપે. જો આમ નહીં થાય, તો ગૂગળી બ્રાહ્મણ યુવા ટીમ વડતાલ જઈને અભદ્ર ટિપ્પણી કરનારા સંતોને પડકારશે અને લલકારશે, તેમ જણાવ્યું હતું.
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજે નિવેદનને વખોડ્યું
દ્વારકા શારદાપીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે પણ આ નિવેદનને આકરા શબ્દોમાં વખોડ્યું હતું. તેમણે સનાતનધર્મીઓને એકતા જાળવવા અને અંદરોઅંદરના વિવાદોને ટાળીને વિધર્મીઓ સામે એકજૂથ થવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે હિન્દુ સનાતનધર્મીઓએ ક્યારેય સ્વામિનારાયણ સંપ્રદાય વિશે અશોભનીય ટિપ્પણી કરી નથી. સ્વામિનારાયણ સંપ્રદાયે પણ સનાતનધર્મના દેવી-દેવતાઓ અને આસ્થાના કેન્દ્ર સમા ભગવાન સામેના ખોટાં અને અશોભનીય નિવેદનોથી બચવું જોઈએ.
‘દ્વારકામાં દ્વારકાધીશ આદિકાળથી છે’
વેપારી એસોસિયેશનના પ્રમુખ મિત્તલ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે શ્રી સંકલ્પમૂર્તિ સ્વામિનારાયણની એક બુકમાં 33 નંબરની વાર્તામાં દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ નથી એવી વાત કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દ્વારકામાં દ્વારકાધીશ આદિકાળથી છે, જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો તો હજુ હમણાં જ જન્મ થયો છે. આ મામલે દ્વારકાવાસીઓનો સખત વિરોધ છે.
‘ગોપાલાનંદ સ્વામી હાય હાય’ના નારા લાગ્યા
વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોએ માંગણી કરી હતી કે સ્વામિનારાયણ સંપ્રદાયની બુકમાંથી 33 નંબરનું પાનું રદ કરવામાં આવે. તેમણે વડતાલ સ્વામી સંપ્રદાયના અનુયાયીઓને દ્વારકા આવીને માફી માંગવા માટે પણ કહ્યું હતું. જો આમ નહીં થાય, તો ભવિષ્યમાં દ્વારકામાં ઉગ્ર આંદોલન થશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. આ સાથે રેલીમાં ‘ગોપાલાનંદ સ્વામી હાય હાય’ના નારા પણ લાગ્યા હતા.
આ પણ વાંચો: સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકને લઈ વિવાદ, ભગવા સંગઠ્ઠનના અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું
આ પણ વાંચો: સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા કરોડોની ઠગાઈનો કેસ સામે આવ્યો