Swaminarayan/ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદિત લખાણથી હિન્દુ સંગઠનોમાં રોષ; “દ્વારકામાં ભગવાન હવે ક્યાંથી હોય ? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ.”

વડતાલ સ્વામિનારાયણ મંદિરનું વધુ એક પુસ્તક વિવાદમાં આવ્યું છે. શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરૂ ગોપાલાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકના લખાણથી વિવાદ સર્જાયો છે.

Gujarat Others

Dwarka News : સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ મંદિર દ્વારા પ્રકાશિત એક પુસ્તકમાં દ્વારકાના ભગવાન કૃષ્ણ વિશે વિવાદાસ્પદ લખાણ સામે આવતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ‘શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરૂ ગોપાલાનંદ સ્વામીની વાતો’ નામના પુસ્તકમાં વાર્તા નંબર 33 માં લખવામાં આવ્યું છે કે “દ્વારકામાં ભગવાન હવે ક્યાંથી હોય? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ.” આ લખાણથી સનાતન ધર્મના અનુયાયીઓમાં તીવ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

અમદાવાદ ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલે આ ઘટના અંગે પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે દ્વારકાના નાથ સામે ઘનશ્યામ પાંડેનું કોઈ અસ્તિત્વ નથી. તેમણે સનાતન ધર્મના લોકોને આગળ આવીને વિરોધમાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતનની આસ્થા સાથે ચેડા કરી રહ્યો છે અને દ્વારકાધીશની માફી માંગે તો પણ તેમને માફી આપવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હવે આ સંપ્રદાયને છોડવામાં નહીં આવે અને હવે માફી નહીં પરંતુ પરિણામ જોવા મળશે.

રાજકોટમાં માલધારી સમાજના લોકોએ પણ આ વિવાદિત લખાણ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વડતાલ સ્વામિનારાયણ મંદિરના પુસ્તકોમાં દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું છે અને આ લખાણ સનાતન ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. માલધારી સમાજના આગેવાનોએ માંગણી કરી હતી કે તાત્કાલિક અસરથી આ પુસ્તકો પાછા ખેંચવામાં આવે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારકા જઈને માફી માંગે.

માલધારી સમાજે ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ અઢારેય વરણના લોકોને એકત્ર કરીને સંમેલન કરશે અને ત્યારબાદ રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે. તેમનું કહેવું છે કે સનાતન ધર્મ અને તેમના દેવી-દેવતાઓનું અપમાન સહન કરવામાં નહીં આવે.

આ ઘટનાએ સ્વામિનારાયણ સંપ્રદાય અને હિન્દુ સંગઠનો વચ્ચે તણાવ વધાર્યો છે. હિન્દુ સંગઠનો આ લખાણને સનાતન ધર્મનું અપમાન ગણી રહ્યા છે અને માફીની માંગણી પર અડગ છે. બીજી તરફ, સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ વિવાદ આગામી દિવસોમાં શું સ્વરૂપ લેશે તે જોવાનું રહેશે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે હિન્દુ સંગઠનો આ મુદ્દાને સરળતાથી છોડવાના મૂડમાં નથી અને તેઓ સ્વામિનારાયણ સંપ્રદાય પર દબાણ વધારવા માટે તમામ પ્રયાસો કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત જેકે સ્વામીની CID ક્રાઈમે કરી ધરપકડ

આ પણ વાંચો: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા ઠગાઈનો મામલો

આ પણ વાંચો: સોખડા સ્વામિનારાયણ મંદિર આપઘાત કેસમાં કોર્ટે તપાસને આપી મંજૂરી