Surat News : અલથાણ-ભીમરાડ રોડ વિસ્તારમાં નિર્માણાધીન એક બિલ્ડિંગમાં ટાઈલ્સ ફિટીંગનું કામ કરતા કારીગરની પ્રજ્ઞાચક્ષુ પત્ની સાથે તેના પતિના જ સહકારીગરે દુષ્કર્મ (Raped)આચર્યું હોવાની ફરિયાદ અલથાણ પોલીસમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, 21 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ પરિણીતા પોતાના પતિ સાથે કન્સ્ટ્રક્શન સાઇટ પર જ રહેતી હતી. પતિ ટાઈલ્સ ફિટીંગનું કામ કરતો હતો, ત્યારે સાદીક આલમ હબીબુર રહેમાન (ઉ.વ. 38) નામનો કારીગર પંદર દિવસ પહેલાં કામ માટે ત્યાં આવ્યો હતો. પ્રજ્ઞાચક્ષુ હોવાને કારણે મહિલા આરોપીને જોઈ શકતી ન હતી, પરંતુ પતિ સાથેની વાતચીતથી તે તેના અવાજથી સાદીક આલમને ઓળખતી હતી.
‘ચાલ આપણે ગેમ રમીએ’ તેમ કહી દુષ્કર્મ (Raped)આચર્યું
ગત 10 જાન્યુઆરીએ સવારના 9 વાગ્યાના અરસામાં, પતિ કામે ગયેલો હોવાનો લાભ લઈ આરોપી મહિલાના રૂમમાં ઘૂસી ગયો હતો. ‘ચાલ આપણે ગેમ રમીએ’ તેમ કહી તેણે મહિલાનું મોઢું દબાવી દુષ્કર્મ (Raped)આચર્યું હતું. ઘટનાથી સ્તબ્ધ બનેલી મહિલાએ સાંજે પતિ ઘરે પરત ફર્યા બાદ સમગ્ર હકીકત જણાવી હતી, જોકે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી.
આ ઘટનાના બે દિવસ બાદ આરોપીએ ફરી એકવાર મહિલાની એકલતાનો લાભ લઈ રૂમમાં ઘૂસી જઇ ધમકી આપી હતી કે, “મેં તારી સાથે જે કર્યું તે કોઈને કહેતી નહીં, નહીંતર તને અને તારા પતિને મરાવી નાંખીશ.” આરોપીએ અપશબ્દો કહી મહિલાને ડરાવી મૂક્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
ઉત્તરાયણની રજાના કારણે પતિ-પત્ની સાથે રહ્યા બાદ અંતે મહિલાએ પતિને ધમકી અંગે જાણ કરી, જેના પગલે અલથાણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે.
પોલીસે પીડિતાનું તબીબી પરીક્ષણ કરાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે, તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
