RTE Admission Ahmedabad 2026-27 : શૈક્ષણિક વર્ષ 2026-27 માં ‘રાઈટ ટુ એજ્યુકેશન’ (RTE) હેઠળ પોતાના બાળકને મફત શિક્ષણ અપાવવા ઈચ્છતા વાલીઓ માટે મોટા સમાચાર છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. તંત્રએ હવે શહેરની ખાનગી શાળાઓમાં ખાલી રહેલી બેઠકોની ગણતરી શરૂ કરી દીધી છે.
શાળાઓનું વેરિફિકેશન શરૂ
અમદાવાદ DEO કચેરી દ્વારા શહેરની તમામ ખાનગી પ્રાથમિક શાળાઓને વેરિફિકેશન ફોર્મ મોકલી દેવામાં આવ્યા છે. આ ફોર્મમાં શાળાઓએ નીચે મુજબની વિગતો આપવાની રહેશે:
શાળામાં ધોરણ-1 માં મંજૂર થયેલા વર્ગો અને કુલ બેઠકો
હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ચોક્કસ સંખ્યા
અગાઉના વર્ષોમાં RTE હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોની વર્તમાન સ્થિતિ

1300 શાળાઓ આ પ્રક્રિયામાં જોડાશે
પ્રાથમિક અંદાજ મુજબ, આ વર્ષે અમદાવાદની આશરે 1300 ખાનગી શાળાઓ આ પ્રક્રિયામાં જોડાશે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગરીબ અને નબળા વર્ગના બાળકો માટે ધોરણ-1 માં અંદાજે 12,000 જેટલી બેઠકો ઉપલબ્ધ થઈ શકે છે. આ બેઠકો પર પસંદગી પામેલા બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ આપવામાં આવશે.
વાલીઓ આ દસ્તાવેજો અત્યારથી જ તૈયાર કરી લે!
ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે, ત્યારે છેલ્લી ઘડીએ દોડધામ ન થાય તે માટે વાલીઓને નીચેના ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા સૂચના અપાઈ છે:
બાળકનું જન્મનું પ્રમાણપત્ર
રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/લાઇટ બિલ/ચૂંટણી કાર્ડ)
પિતાનો આવકનો દાખલો (નવી મર્યાદા મુજબ)
જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો)
DEO કચેરી દ્વારા શાળાઓ પાસેથી ડેટા મળ્યા બાદ ટૂંક સમયમાં રાજ્ય સરકારના પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાની સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવશે.
