આજે બરોડા ક્રિકેટ એસોસિયેશન (BCA)ની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ છે, જેમાં વહેલી સવારથી જ મતદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. ચૂંટણીમાં વડોદરા શહેરના જાણીતા ડોક્ટર દર્શન બેંકર અને પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે વચ્ચે સીધી ટક્કર સર્જાઈ છે. ડૉ. દર્શન બેંકરના સમર્થનમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ વિકેટકીપર નયન મોંગિયાએ પણ ખુલ્લેઆમ સપોર્ટ જાહેર કર્યો છે.
બરોડા ક્રિકેટ એસોસિયેશન (BCA)ની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા
આ વચ્ચે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરનાર BCAના સભ્ય રામચંદ્ર પ્રજાપતિ મીડિયા સવાલો સામે મૌન સાધીને સ્થળ પરથી ચાલ્યા ગયા હતા. બીજી તરફ, વડોદરાના મહારાજા સમરજિતસિંહ ગાયકવાડના રોયલ ગ્રુપે સત્યમેવ જયતે ગ્રુપ સાથે હાથ મિલાવ્યો છે અને તેઓ રિવાઈવલ ગ્રુપ સામે ચૂંટણી લડી રહ્યા છે.

હાઇકોર્ટના આદેશને કારણે આજે મતગણતરી કરવામાં આવશે નહીં
મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે, પરંતુ હાઇકોર્ટના આદેશને કારણે આજે મતગણતરી કરવામાં આવશે નહીં. હવે 17 તારીખે કોર્ટમાં સુનાવણી બાદ મતગણતરીની તારીખ નક્કી કરવામાં આવશે. મતદાન મથક પર બંને ગ્રુપના સમર્થકો દ્વારા નારા લગાવવામાં આવ્યા હતા, જેમાં રિવાઈવલ ગ્રુપ તરફથી ‘રિવાઇવલ 31’ અને રોયલ સત્યમેવ જયતે ગ્રુપ તરફથી ‘વોટ ફોર રોયલ સત્યમેવ જયતે’ જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
મતદાન દરમિયાન રામબાગ ખાતે મતદાન કેન્દ્ર બહાર એક મતદારની તબિયત બગડતા તેને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મતદાર તરસાલી વિસ્તારના રહેવાસી સિનિયર સિટિઝન રાજુભાઈ વૈદ્ય હોવાનું જાણવા મળ્યું છે.
રામચંદ્ર પ્રજાપતિનો દાવો
મીડિયા સાથે વાતચીત દરમિયાન રામચંદ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “મેં મતદાન કરી દીધું છે અને રોયલ સત્યમેવ જયતે ગ્રુપ જ જીતશે એમાં કોઈ શંકા નથી. પરિણામ તો મતપેટી ખુલ્યા પછી સામે આવશે.”
હાઇકોર્ટમાં કેસ કેમ કર્યો તે અંગે તેમણે જવાબ આપવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે કોઈએ તેમને કેસ કરવા કહ્યું નથી, તેમણે પોતાની રીતે પિટિશન દાખલ કરી છે. ફંડિંગ અને વકીલ વિશે પૂછવામાં આવતા તેઓ કોઈ જવાબ આપ્યા વગર સ્થળ પરથી નીકળી ગયા હતા.
ઉમેદવારોના નિવેદન
રિવાઈવલ ગ્રુપના પ્રમુખ પદના ઉમેદવાર કિરણ મોરેએ જણાવ્યું હતું કે, સભ્યોની મોટી સંખ્યામાં હાજરી ખૂબ જ ઉત્સાહજનક છે. કોઈપણ સંસ્થામાં સભ્યોનો વિશ્વાસ જીતવો સૌથી મહત્વપૂર્ણ બાબત છે. તેમણે ભારત-પાકિસ્તાન મેચ અંગે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે ભારતીય ટીમ જીતશે અને T20 ફોર્મેટમાં ભારતનું પલડું ભારે છે.
જ્યારે રોયલ સત્યમેવ જયતે ગ્રુપના પ્રમુખ પદના ઉમેદવાર ડૉ. દર્શન બેંકરે તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી અને મતદારોને વહેલી તકે આવી મતદાન કરવા અપીલ કરી હતી.
આ પણ વાંચો:પ્રેમમાં પાગલ પ્રેમીનો તાંડવ! અમદાવાદના ચાણક્યપુરીમાં ધોળા દિવસે 2 રાઉન્ડ ફાયરિંગ, રહીશોમાં ફફડાટ
આ પણ વાંચો:અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં રિક્ષાચાલકનું એસિડ પીને મોત, બે સામે FIR
આ પણ વાંચો:દિગ્ગજોનો જમાવડો! પાલીતાણાના ઘેટી ગામે હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત
