Ahmedabad Chanakyapuri Firing: અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ ચાણક્યપુરીમાં રવિવારે ધોળા દિવસે થયેલા ફાયરિંગની ઘટનાએ સમગ્ર અમદાવાદને હચમચાવી દીધું છે. પ્રેમ પ્રકરણની અદાવતમાં જાહેર રોડ પર બે રાઉન્ડ ફાયરિંગ કરનાર આરોપીની ઓળખ થઈ ગઈ છે. સોલા પોલીસે મોન્ટુ દેસાઈ નામના શખ્સ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેને પકડવા માટે આખું શહેર માથે લીધું છે.

Ahmedabadમાં જાહેર રોડ પર લોહિયાળ ખેલ
ચાણક્યપુરીમાં જ્યારે લોકોની અવરજવર ચાલુ હતી ત્યારે જ આરોપી મોન્ટુ દેસાઈએ ફરિયાદી યુવકને આંતર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, પહેલા બોલાચાલી થઈ અને ત્યારબાદ મોન્ટુએ આવેશમાં આવીને ફરિયાદીને બેફામ માર માર્યો હતો. આટલેથી ન અટકતા, તેણે પોતાની પાસે રહેલી પિસ્તોલ કાઢી જાહેર રોડ પર જ ૨ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. આ હુમલામાં યુવક લોહીલુહાણ થતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા
ફાયરિંગની જાણ થતા જ અમદાવાદ પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સોલા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. એફએસએલ (FSL) ની ટીમ પણ પુરાવા એકત્ર કરવા કામે લાગી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે જેમાં હુમલાની કમકમાટીભરી ઘટના કેદ થઈ હોવાનું મનાય છે.

આરોપી મોન્ટુ દેસાઈ સામે ગુનો દાખલ
સોલા પોલીસે આરોપી મોન્ટુ દેસાઈ વિરુદ્ધ હત્યાના પ્રયાસ (IPC 307) અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આરોપી પાસે હથિયાર ક્યાંથી આવ્યું અને શું તેની પાસે લાયસન્સ હતું કે તે ગેરકાયદેસર હતું.
રહીશોમાં ભયનો માહોલ
અમદાવાદના રહેણાંક વિસ્તારમાં ધોળા દિવસે આ રીતે ગોળીઓ છૂટતા સ્થાનિક રહીશોમાં પોતાની સુરક્ષાને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે. લોકોમાં ચર્ચા છે કે જો જાહેર રોડ પર જ આ રીતે ફાયરિંગ થતું હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું?
