Nigeria Terror Attack Niger State: પશ્ચિમ આફ્રિકાના દેશ નાઇજીરિયામાં ફરી એકવાર આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે. ઉત્તરી નાઇજીરિયાના નાઇજર રાજ્યના બોરગુ વિસ્તારમાં શનિવારે (14મી ફેબ્રુઆરી) વહેલી સવારે બાઇક પર આવેલા હથિયારધારી હુમલાખોરોએ ત્રણ અલગ-અલગ ગામોમાં મોતનો તાંડવ મચાવ્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 30 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
Nigeria : ત્રણ ગામોમાં આતંકનું સામ્રાજ્ય
હુમલાખોરોએ વહેલી સવારે આધુનિક હથિયારો સાથે તુંગા-મેકેરી (Tunga-Makeri), કોંકોસો (Konkoso) અને પિસા (Pissa) ગામો પર હુમલો કરીને ભારે તબાહી મચાવી હતી. તુંગા-મેકેરીમાં હુમલાખોરોએ ઘરોને આગ ચાંપી દીધી હતી અને ઓછામાં ઓછા 6 લોકોની કરપીણ હત્યા કરી હતી. આ હુમલામાં સૌથી વધુ વિનાશ કોંકોસો ગામમાં જોવા મળ્યો હતો, જ્યાં અંધાધૂંધ ગોળીબારમાં 26થી વધુ નિર્દોષ લોકોના મોત થયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આતંકીઓ કલાકો સુધી બેફામ બનીને આતંક મચાવતા રહ્યા હતા અને તે સમયે સુરક્ષાકર્મીઓની ગેરહાજરીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો.
ગળા કાપ્યા અને પોલીસ ચોકી ફૂંકી મારી
ભયાનક વિગતો મુજબ, હુમલાખોરોએ માત્ર ગોળીબાર જ નહીં પણ અનેક લોકોના ગળા કાપી નાખ્યા હતા. આતંકીઓએ ગામની પોલીસ ચોકીને પણ આગ લગાડીને ફૂંકી મારી હતી. હુમલાના સમયે સુરક્ષા કર્મચારીઓની સંખ્યા ઓછી હોવાને કારણે આતંકીઓએ લાંબા સમય સુધી લૂંટફાટ અને આગચંપી ચાલુ રાખી હતી.
મોટી સંખ્યામાં અપહરણ અને લૂંટફાટ
મૃતકો ઉપરાંત, હુમલાખોરોએ ખંડણી વસૂલવા માટે ડઝનબંધ ગ્રામજનોનું અપહરણ કર્યું છે, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હોવાની આશંકા છે. અનેક રહેણાંક મકાનો અને સરકારી મિલકતોને આગ લગાડી રાખ કરવામાં આવી છે. પોલીસ પ્રવક્તા વાસિયુ અબીઓડુએ જણાવ્યું છે કે હાલમાં સંયુક્ત સુરક્ષા ટીમો સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને ગુમ થયેલા લોકોને બચાવવા પ્રયાસો થઈ રહ્યા છે.
વધતું સુરક્ષા સંકટ
નોંધનીય છે કે નાઇજીરિયામાં આ પ્રકારના હુમલા સામાન્ય બની ગયા છે. આ મહિનાની શરૂઆતમાં પડોશી ક્નારા (Kwara) રાજ્યમાં પણ આવા જ એક હુમલામાં 162 લોકોના મોત થયા હતા. ISIL-સંલગ્ન જૂથો અને સ્થાનિક સશસ્ત્ર ગેંગ ખંડણી માટે વારંવાર ગ્રામીણ વિસ્તારોને નિશાન બનાવે છે.
આ પણ વાંચોઃનાઈજીરિયા: જેહાદીઓ પર મહિલાઓના અપહરણનો આક્ષેપ, ISWAPના બળવાખોરોના હુમલા બાદ 47 મહિલાઓ થઈ ગુમ
આ પણ વાંચોઃનાઈજીરિયામાં ભયાનક હિંસા, સશસ્ત્ર જૂથોના હુમલામાં 160 લોકોના મોત
આ પણ વાંચોઃનાઈજીરિયામાં ISISનો કહેર,20 ખ્રિસ્તીઓનું ગળું કાપીને કરી હત્યા,જાણો
