Surat News : સુરત (Surat)ના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન (Demolition) મુદ્દે મંગળવારે શહેરમાં ભારે રાજકીય અને સામાજિક ગરમાવો જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશો અને શહેર કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તાપી ભવન ખાતે પહોંચ્યા હતા અને તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
પ્રદર્શન દરમિયાન કેટલાક કાર્યકરોએ SMC કચેરીને તાળા મારવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બાદમાં વિરોધીઓ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં પોલીસે તમામને અટકાયત કરી હતી.
વૈકલ્પિક આવાસ વિના મકાનો તોડ્યાનો આક્ષેપ
સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે કોઈ પૂર્વ સૂચના કે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કર્યા વિના તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ ગરીબ પરિવારોને રસ્તા પર લાવી દેતી આ કાર્યવાહી માનવતાવિહીન છે.
પ્રદર્શનકારીઓએ પીડિત પરિવારોને તાત્કાલિક વૈકલ્પિક રહેઠાણ, નુકસાનનું યોગ્ય વળતર અને સમગ્ર પ્રકરણમાં જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.
SMC ગેટ પર તણાવ, તાળાબંધીનો પ્રયાસ

મહાનગરપાલિકાના મુખ્ય દ્વાર પર સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકરો ધરણા પર બેસતા આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થિતિ ત્યારે વધુ તંગ બની જ્યારે કોંગ્રેસના નેતાઓ અસલમ સાયકલવાલા અને અરશદ ઝરીવાલાને કચેરીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં ન આવી.
આ ઘટનાથી રોષે ભરાયેલા કાર્યકરોએ તાળાબંધીનો પ્રયાસ કર્યો હતો અને ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી હતી કે મુખ્ય જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
કમિશનરના બંગલા પર પહેલીવાર વિરોધ
મહાનગરપાલિકાની કચેરીએ કમિશનર હાજર ન મળતા વિરોધીઓ સીધા તેમના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે પોતે ઘરવિહોણા બન્યા છે જ્યારે જવાબદાર અધિકારીઓ કોઈ જવાબદારી સ્વીકારતા નથી.
વિરોધ દરમિયાન સ્થાનિકોએ માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્થળ ન છોડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
‘ગોળી મારી દો, પણ અહીંથી નહીં હટીએ’

વિરોધ દરમિયાન પોલીસ અધિકારીઓએ કાર્યકરોને સ્થળ છોડવા જણાવ્યું હતું. જોકે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ કડક શબ્દોમાં કહ્યું કે તેઓ પોતાની માંગણીઓથી પાછળ નહીં હટે. તેમણે જણાવ્યું કે, “અમે અહીંથી ઊભા થવાના નથી. અમારી માંગ ન્યાયની છે અને અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છીએ.” ત્યારબાદ પોલીસે સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.
વિવાદ વચ્ચે એક્ઝિક્યુટિવ એન્જિનિયર રજા પર
ડિમોલિશન (Demolition) કાર્યવાહી દરમિયાન ચર્ચાના કેન્દ્રમાં રહેલા સેન્ટ્રલ ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયંગ રામજીવાલા અચાનક એક સપ્તાહની રજા પર ઉતરી ગયા હોવાનું સામે આવ્યું છે. ડિમોલિશન (Demolition દરમિયાન સ્થળ પર તેમની હાજરી અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને લઈને અનેક સવાલો ઊભા થયા છે. આ ઘટનાએ સમગ્ર પ્રકરણને વધુ ચર્ચાસ્પદ બનાવી દીધું છે.
ટોરેન્ટ પાવર સામે પણ ઉઠ્યા સવાલ
વિરોધ કરી રહેલા રહીશોએ ટોરેન્ટ પાવર સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ કોઈ સત્તાવાર અરજી કર્યા વિના વીજ મીટરો દૂર કરવામાં આવ્યા હતા. સ્થાનિકોના કહેવા મુજબ અનેક પરિવારોને ઘર વિના કરી દેવામાં આવ્યા હોવા છતાં વીજ બિલો ફટકારવામાં આવ્યા હતા. મીટરો કોના આદેશથી દૂર કરાયા તે અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.
MLA વિનુ મોરડિયાનો મોટો સવાલ
કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ સમગ્ર પ્રકરણમાં અધિકારીઓની ભૂમિકા અંગે ગંભીર શંકા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી સામે આવેલા દ્રશ્યો અને માહિતી અનેક પ્રશ્નો ઉભા કરે છે. મોરડિયાએ કહ્યું કે ડિમોલિશન (Demolition) પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ શંકાના દાયરામાં છે અને તપાસમાં કોઈપણ દોષિત સાબિત થશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
હવે આગળ શું?
નાસીરનગર ડિમોલિશન (Demolitionમુદ્દે રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. સ્થાનિકો, કોંગ્રેસ અને અન્ય સામાજિક સંગઠનો દ્વારા ન્યાયની માંગ સાથે આંદોલન તેજ બનતું જોવા મળી રહ્યું છે. બીજી તરફ, સમગ્ર મામલે તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ પણ જોર પકડી રહી છે.
