Surat News : સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસીરનગરમાં થયેલા ડિમોલિશન (Demolition)મામલે રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. થોડા દિવસ પહેલાં થયેલા તોડકામ બાદ હવે સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે, જો સુરત મહાનગરપાલિકા (SMC)એ કોઈ સત્તાવાર ડિમોલિશન કાર્યવાહી કરી નથી, તો પછી 100થી વધુ મકાનો કોણે તોડી પાડ્યા?
સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયા (Vinu Mordiya) જણાવ્યું કે તેમણે આ મામલે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે પાલિકાની ટીમ માત્ર રોડ લાઇન અને માપણીની કામગીરી માટે સ્થળ પર પહોંચી હતી. કોઈપણ પ્રકારના સત્તાવાર ડિમોલિશન (Demolition)નો આદેશ આપવામાં આવ્યો નહોતો અને પાલિકાના રેકોર્ડમાં પણ આવી કાર્યવાહીનો કોઈ ઉલ્લેખ નથી.

ધારાસભ્યના નિવેદન બાદ સમગ્ર ઘટનાએ વધુ ગંભીર વળાંક લીધો છે. કારણ કે ડિમોલિશન દરમિયાન બુલડોઝર અને હિટાચી મશીનો દ્વારા મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાના વીડિયો સામે આવ્યા છે. હવે સવાલ એ છે કે જો તોડકામ પાલિકાએ કર્યું નથી તો આ કામગીરી પાછળ કોણ હતું?
ડિમોલિશન (Demolition)દરમિયાન પોલીસ પણ સ્થળ પર હાજર હતી
સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે ડિમોલિશન (Demolition)દરમિયાન પોલીસ પણ સ્થળ પર હાજર હતી. લોકોનું કહેવું છે કે તેમના ઘરો તોડી પાડવામાં આવી રહ્યા હતા ત્યારે પોલીસ જવાનો સમગ્ર ઘટનાના સાક્ષી હતા. જેના કારણે પોલીસની ભૂમિકા અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે.
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ દાવો કર્યો છે કે ડિમોલિશન દરમિયાન સુરત પોલીસ અને SOGના અધિકારીઓ હાજર હતા. તેમણે કહ્યું કે તેમની પાસે ઘટનાના વીડિયો અને અન્ય પુરાવા ઉપલબ્ધ છે. જો તંત્ર ઈચ્છે તો સમગ્ર સત્ય બહાર આવી શકે છે.
આ દરમિયાન સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના સિટી એન્જિનિયર જયંગ રામજીવાલાને મીડિયાએ સવાલો પૂછતા તેમણે માત્ર એટલું જ કહ્યું કે, “આ ડિમોલિશન અમારી તરફથી કરવામાં આવ્યું નથી.”
બીજી તરફ સુરતના મેયર માયા માવાણીએ જણાવ્યું કે સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ વધુ માહિતી જાહેર કરવામાં આવશે.
ડિમોલિશન (Demolition)ના કારણે અનેક ગરીબ અને શ્રમિક પરિવારો બેઘર બન્યા છે. આગામી દિવસોમાં વરસાદ અને ખરાબ હવામાનની આગાહી વચ્ચે ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બનેલા પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હવે સમગ્ર શહેરની નજર આ તપાસ પર છે. કારણ કે જો તોડકામ સત્તાવાર રીતે થયું ન હોય, તો પછી દિવસના અજવાળામાં આટલી મોટી કાર્યવાહી કોણે કરી અને તેની પાછળ કોણ જવાબદાર છે, તે શોધવું તંત્ર માટે સૌથી મોટો પડકાર બની ગયો છે.
આ પણ વાંચો:સુરતમાં ચોંકાવનારું ‘નકલી ડિમોલિશન’, પાલિકા વગર મકાનો કોણે તોડ્યા?
આ પણ વાંચો:સુરતના નાસીરનગરમાં 100 મકાન કોણે તોડ્યા? મનપા અને પોલીસ બંનેએ હાથ ઊંચા કર્યા, વિવાદ વધુ ગરમાયો
આ પણ વાંચો:સુરતમાં ગેરકાયદે ઝીંગા તળાવોનું ડિમોલિશન કરાયું શરૂ
