Ahmedabad News/ ‘મિત્ર’ બનીને બે શખ્સોએ આચાર્યને ફસાવ્યા! ક્રેડિટ કાર્ડ-લોનના નામે લાખોની છેતરપિંડી

Godhra Teacher Fraud: મિત્રતા પર ભરોસો કરવો ગોધરાના આચાર્યને ભારે પડ્યો! તેમના નામે 15 ક્રેડિટ કાર્ડ અને રૂ.22.50 લાખની લોન, ખાતામાંથી રૂ.18.98 લાખ ટ્રાન્સફર કર્યાનો આક્ષેપ; બે મિત્રો સામે રૂ.23.98 લાખની ફરિયાદ.

Top Stories Ahmedabad Gujarat
Godhra Teacher Fraud: આચાર્ય સાથે મિત્રોએ જ કર્યો વિશ્વાસઘાત! 15 ક્રેડિટ કાર્ડથી રૂ.23.98 લાખની છેતરપિંડી

Ahmedabad News: ગોધરામાં રહેતા અને સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વ્યક્તિ સાથે અમદાવાદમાં બનેલા મિત્રોએ જ વિશ્વાસઘાત કર્યો હોવાની ઘટના (Godhra Teacher Fraud) સામે આવી છે. મિત્રતાના વિશ્વાસમાં આવીને આચાર્યએ પોતાના જરૂરી દસ્તાવેજો આપ્યા હતા, પરંતુ બંને મિત્રોએ તેનો ઉપયોગ કરીને તેમના નામે અનેક ક્રેડિટ કાર્ડ મેળવ્યા હતા અને લોન પણ લીધી હતી. આચાર્યના નામે મેળવેલા ક્રેડિટ કાર્ડમાંથી આશરે રૂ.5 લાખનો ઉપયોગ કરી નાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમના ખાતામાંથી રૂ.18.98 લાખ ઓનલાઇન મેળવી લેવાયા હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે કુલ રૂ.23.98 લાખની છેતરપિંડીની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

મોબાઈલની દુકાનમાં થઈ હતી બંને સાથે મિત્રતા

ગોધરામાં રહેતા ચિરાગ શુક્લ આદર્શ નિવાસી સ્કૂલમાં આચાર્ય તરીકે નોકરી કરે છે. વર્ષ 2018માં મોબાઈલ ફોન ખરીદવા માટે તેઓ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી સમૃદ્ધિ મોબાઇલ નામની (Ahmedabad Financial Fraud) દુકાને ગયા હતા. ત્યાં દુકાનના માલિક અર્પણાસિંગ સાથે તેમનો પરિચય થયો હતો. અર્પણાસિંગે ચિરાગનો પરિચય હિતેન શાહ સાથે કરાવ્યો હતો. સમય જતાં બંને સાથે ચિરાગભાઈની મિત્રતા થઈ ગઈ હતી. ચિરાગ જ્યારે પણ કામકાજ માટે અમદાવાદ આવતા ત્યારે બંને મિત્રોને મળતા હતા.

Godhra Teacher Fraud: લોન અને ક્રેડિટ કાર્ડ માટે દસ્તાવેજો લીધા

ફરિયાદ મુજબ, વર્ષ 2024થી 2026 દરમિયાન અર્પણાસિંગ અને હિતેન શાહે ચિરાગને અલગ અલગ લોન અને ક્રેડિટ કાર્ડની પ્રક્રિયા કરી આપવાની વાત કરી હતી. મિત્ર હોવાના કારણે ચિરાગે બંને પર વિશ્વાસ રાખ્યો હતો અને જરૂરી દસ્તાવેજોની નકલો તેમને આપી હતી. આ દસ્તાવેજોના આધારે ચિરાગના નામે આશરે 15 જેટલા ક્રેડિટ કાર્ડ મેળવવામાં (Credit Card Fraud) આવ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

ચિરાગના નામે મેળવવામાં આવેલા વિવિધ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ (Credit Card Scam) બંને મિત્રોએ કર્યો હોવાનો આક્ષેપ છે. આ ક્રેડિટ કાર્ડમાંથી આશરે રૂ.5 લાખની રકમ વાપરી નાખવામાં આવી હતી. ચિરાગને આ રકમ પરત આપવામાં આવી નહોતી. જેના કારણે સમગ્ર મામલે તેમને શંકા જતા તેમણે પોતાના નામે રહેલા ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવી દીધા હતા.

22.50 લાખની લોન પણ લેવામાં આવી

ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, ચિરાગના નામે આશરે રૂ.22.50 લાખની લોન પણ લેવામાં આવી હતી. આ લોનની કેટલીક રકમના હપ્તા ચિરાગે ભર્યા હતા. જ્યારે લોનની બાકીની રકમ તેમના બેંક ખાતામાં હોવાનું જણાવાયું છે.આ દરમિયાન બંને મિત્રોએ ચિરાગને વિશ્વાસમાં લઈને તેમના બેંક ખાતામાંથી ઓનલાઇન રૂ.18.98 લાખ મેળવી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પૈસા પરત ન મળતા પોલીસ ફરિયાદ

લોન અને ક્રેડિટ કાર્ડના વ્યવહારો અંગે ચિરાગને રકમ પરત મળતી ન હોવાથી તેમણે બંને મિત્રો પાસે ઉઘરાણી કરી હતી. જોકે, રકમ પરત ન મળતા તેમણે પોતાના નામે રહેલા ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવી દીધા હતા. આ સમગ્ર મામલે અર્પણાસિંગ અને હિતેન શાહે વિશ્વાસમાં લઈને કુલ રૂ.23.98 લાખની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરતા ચિરાગ શુક્લે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે (Vastrapur Police) બંને શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા લોન, ક્રેડિટ કાર્ડ અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન સંબંધિત દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. બંને આરોપીઓએ ચિરાગના નામે કેટલા નાણાકીય વ્યવહારો કર્યા, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ક્યાં કર્યો અને રૂ.18.98 લાખની રકમ કયા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી તે સહિતની વિગતો મેળવવા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.


આ પણ વાંચો: પોર GIDCમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 139 પેટી વિદેશી દારૂ સાથે 2 ઝડપાયા

આ પણ વાંચો: બિન અનામત આયોગમાં ‘લાલિયાવાડી’નો આક્ષેપ: 10 દિવસમાં પ્રશ્નો ઉકેલો, નહીં તો તાળાબંધીની ચીમકી

આ પણ વાંચો: અમદાવાદમાં વૃક્ષોનું કામ કેચ ફાઉન્ડેશનને સોંપાશે