Gandhinagar News/ બિન અનામત આયોગમાં ‘લાલિયાવાડી’નો આક્ષેપ: 10 દિવસમાં પ્રશ્નો ઉકેલો, નહીં તો તાળાબંધીની ચીમકી

Savarna Samaj Ultimatum: ગાંધીનગરમાં સવર્ણ સમાજની ચિંતન શિબિરમાં અનામત નીતિની સમીક્ષા, UGC કાયદાનો વિરોધ અને EWS સહિતના મુદ્દે ચર્ચા થઈ. બિન અનામત આયોગ સામે 10 દિવસનું અલ્ટીમેટમ અપાયું.

Gandhinagar Top Stories Gujarat Breaking News
Savarna Samaj Ultimatum: બિન અનામત આયોગ સામે સવર્ણ સમાજ આક્રમક

Gandhinagar News: ગુજરાતમાં સવર્ણ સમાજના વિવિધ પ્રશ્નો અને અનામત નીતિને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. ગાંધીનગરમાં સવર્ણ સમાજોની ચિંતન (Savarna Samaj Ultimatum) શિબિર યોજાઈ હતી, જેમાં અનામત વ્યવસ્થાની સમીક્ષા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. શિબિરમાં બિન અનામત આયોગમાં ચાલી રહેલી કામગીરી સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ બિન અનામત આયોગમાં ‘લાલિયાવાડી’ ચાલતી હોવાનો આક્ષેપ કરીને સરકારને 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે જણાવ્યું કે આ સમયગાળામાં આયોગની અંદરની નિમણૂકો અને અન્ય પ્રશ્નોનું સમાધાન નહીં આવે તો બિન અનામત આયોગ અને બિન અનામત નિગમને તાળાબંધી કરવાની દિશામાં નિર્ણય લેવામાં આવશે.

Savarna Samaj Ultimatum: ચિંતન શિબિરમાં ચાર મુખ્ય મુદ્દે ચર્ચા

ગાંધીનગરમાં યોજાયેલી ચિંતન શિબિરમાં સવર્ણ સમાજ સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નો પર ચર્ચા થઈ હતી. તેમાં મુખ્યત્વે અનામત નીતિની સમીક્ષા (Reservation Policy Gujarat) , UGCના કાયદા સામે વિરોધ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં EWS માટેની જોગવાઈ અને બિન અનામત આયોગની કામગીરી જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. આ ઉપરાંત અનામત વ્યવસ્થાની સમીક્ષા કરીને જરૂરી સુધારા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી હતી.

‘10 દિવસમાં પ્રશ્નો ઉકેલો, નહીં તો તાળાબંધી’

પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ (Dinesh Bambhaniya) બિન અનામત આયોગની કામગીરી અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ, આયોગમાં અનેક અસુવિધાઓ અને પ્રશ્નો છે, જેનું તાત્કાલિક નિરાકરણ લાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 10 ટકા અનામતની જોગવાઈ કરવાની માંગ સવર્ણ સમાજ દ્વારા છેલ્લા એક વર્ષથી કરવામાં આવી રહી છે. 2023માં ઝવેરી કમિશનની નિમણૂક બાદ આ મુદ્દે કાયદેસર માન્યતા આપવાની માંગ પણ કરવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું.

બાંભણિયાના જણાવ્યા પ્રમાણે, UGC સંબંધિત કાયદા સામેની ચળવળને ગુજરાતમાંથી આગળ વધારવામાં આવશે અને દેશભરમાં ચાલી રહેલી આ પ્રકારની ચળવળને પણ સમર્થન આપવામાં આવશે. તેમણે સ્પષ્ટ ચીમકી આપતા કહ્યું કે, 10 દિવસમાં બિન અનામત આયોગની નિમણૂકો અને અન્ય પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો બિન અનામત આયોગ તથા બિન અનામત નિગમને તાળાબંધી કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

વરુણ પટેલની અનામત નીતિની સમીક્ષાની માંગ

ચિંતન શિબિરમાં પાટીદાર અગ્રણી વરુણ પટેલે પણ અનામત વ્યવસ્થાને લઈને સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરી હતી. તેમણે વર્તમાન અનામત નીતિની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. વરુણ પટેલે સરકાર પાસે અનામતના લાભથી અત્યાર (Bin Anamat Aayog) સુધી કેટલા પરિવારો, સમાજો, ધર્મો અને વિવિધ વર્ગોને લાભ મળ્યો છે તેનો સંપૂર્ણ ડેટા જાહેર કરવાની માંગ કરી હતી.

તેમના કહેવા પ્રમાણે, કઈ જ્ઞાતિ અથવા વર્ગને અનામતનો લાભ મળ્યો છે, કોનું સામાજિક ઉત્થાન થયું છે અને હજુ કયા વર્ગો વિકાસથી વંચિત છે તેની માહિતીના આધારે ભવિષ્યની અનામત નીતિ અંગે નિર્ણય લેવો જોઈએ.તેમણે અનામતના આંકડા જાહેર કરીને જિલ્લા પંચાયતથી લઈને રાજ્ય વિધાનસભા, સંસદ અને રાજ્યસભા સુધી ખુલ્લા મંચ પર ચર્ચા થવી જોઈએ તેવી માગણી પણ કરી હતી.

કરણી સેનાએ પણ UGC મુદ્દે વિરોધ નોંધાવ્યો

ચિંતન શિબિરમાં કરણી સેનાના આગેવાન વિરભદ્રસિંહે પણ UGC સંબંધિત મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભાવનગરથી વિવિધ જિલ્લાઓમાં આવેદનપત્ર આપવાની શરૂઆત કરવામાં આવી છે.તેમના જણાવ્યા અનુસાર, ભાવનગર બાદ રાજકોટ અને જામનગરમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. આગામી સમયમાં કચ્છમાં સવર્ણ સમાજની બેઠક યોજવાની વાત પણ તેમણે કરી હતી.દરેક જિલ્લામાં બેઠકો યોજીને UGCના કાયદા સામે વિરોધને વધુ સંગઠિત કરવાની દિશામાં કામગીરી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું.

બ્રહ્મસમાજે સવર્ણ એકતા મંચને ટેકો આપ્યો

ચિંતન શિબિરમાં બ્રહ્મસમાજના આગેવાન જીગર મહેતાએ પણ સવર્ણ સમાજની માંગણીઓને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી સવર્ણ સમાજના પ્રતિનિધિઓ ચિંતન શિબિરમાં હાજર રહ્યા હતા. બ્રહ્મસમાજના વડીલો અને આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીગર મહેતાએ બ્રહ્મસમાજ તરફથી સવર્ણ એકતા મંચને સંપૂર્ણ સમર્થન જાહેર કરતાં કહ્યું કે સવર્ણ સમાજ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અને તેમની લડતમાં બ્રહ્મસમાજ સાથ આપશે.

સરકાર સામે હવે સવર્ણ સમાજની નજર

ગાંધીનગરમાં યોજાયેલી આ ચિંતન શિબિરમાં સવર્ણ સમાજના વિવિધ સંગઠનો અને આગેવાનોએ અનામત નીતિ, EWS, UGC કાયદો અને બિન અનામત આયોગની કામગીરી સહિતના મુદ્દાઓ પર પોતાની રજૂઆત કરી છે. ખાસ કરીને બિન અનામત આયોગને આપવામાં આવેલા 10 દિવસના અલ્ટીમેટમ બાદ સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર હવે સૌની નજર રહેશે. જો માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આયોગ અને નિગમને તાળાબંધી કરવાની ચીમકીથી આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.


આ પણ વાંચો:ગુજરાતમાં OBCને 54% અનામતની માંગ તેજ, વસતિના પ્રમાણમાં અનામત માટે રજૂઆત

આ પણ વાંચો:સવર્ણ અનામતમાં ફેરફાર કરવાની માંગને પગલે રોષ, માંગ નહી સ્વિકારાય તો આંદોલનની ચીમકી

આ પણ વાંચો:પાટીદારો સામેના કેસો પાછા ખેંચવા હાર્દિક પટેલની ચીમકી, કોને આપશે ગુલાબ?