Ahmedabad News : અમદાવાદના નિકોલ વિસ્તારમાં થયેલા 1.66 કરોડ રૂપિયાના દાગીના ચોરી (Theft) કેસમાં નવો વળાંક આવ્યો છે. કેસમાં આરોપી તરીકે ધરપકડ કરાયેલી મહિલા સેલ્સગર્લે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સામે ગંભીર આક્ષેપો કરતા ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
મહિલાનો દાવો છે કે તેને પોલીસે અમદાવાદના માણેકચોક વિસ્તારમાંથી નહીં પરંતુ દિલ્હીની એક હોટલમાંથી ઝડપી હતી. અરજીમાં જણાવ્યા મુજબ ધરપકડ સમયે પોલીસ ટીમ સાથે કોઈ મહિલા પોલીસ કર્મચારી હાજર નહોતી. ઉપરાંત તેની પાસેથી સોનાનો દોરો અને રોકડ રકમ પણ લેવામાં આવી હોવાનું તેણે જણાવ્યું છે.
અરજીમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે દિલ્હીથી અમદાવાદ લાવતી વખતે દિલ્હી-જયપુર હાઈવે પર તેને કંઈક ખવડાવવામાં આવ્યું હતું, જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તેના કપડા અસ્તવ્યસ્ત હાલતમાં હતા. ત્યારબાદ તેને અમદાવાદ ડીસીબી કચેરીએ લઈ જવાઈ હતી.

બીજી તરફ, સરકારી વકીલે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે આરોપી મહિલાએ પ્રથમ વખત મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી ત્યારે આવા કોઈ આક્ષેપ કર્યા નહોતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ 22 મેના રોજ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી, ત્યારે પણ તેણે કોઈ ફરિયાદ નોંધાવી નહોતી.
અરજદારના વકીલે દલીલ કરી કે 22 મેના રોજ જ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને કોર્ટ દ્વારા તપાસ અધિકારીને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. જોકે સરકારી પક્ષનું કહેવું છે કે ક્રાઇમ બ્રાન્ચ વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપો પાછળથી ઘડાયેલી એક વાર્તા સમાન છે.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે (High Court)પોલીસને સવાલ કર્યો હતો કે જો મહિલા 16 મેના રોજ પકડાઈ હતી તો તેને મેજિસ્ટ્રેટ સમક્ષ 19 મેના રોજ કેમ રજૂ કરવામાં આવી? સરકારી વકીલે જવાબમાં જણાવ્યું કે ધરપકડની તારીખ અંગે દસ્તાવેજમાં ભૂલ થઈ છે અને વાસ્તવમાં 18 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

અરજદારે દિલ્હીની હોટલના સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવાની પણ માંગ કરી છે. હાઈકોર્ટે (High Court)તપાસ અધિકારીનો રિપોર્ટ મંગાવી મામલાની આગામી સુનાવણી 25 જૂનના રોજ રાખી છે.
ઉલ્લેખનીય છે કે 11 મે 2026ના રોજ નિકોલ વિસ્તારની એક જ્વેલરી શોરૂમમાં કામ કરતી હર્ષિદા શેટ્ટી (Harshida Shetty)પર 1.66 કરોડ રૂપિયાના સોનાના દાગીના ચોરી (Theft) કરવાનો આરોપ છે. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે હર્ષિદા તેના બોયફ્રેન્ડ સાથે રહેવા માટે દાગીના લઈને ફરાર થઈ હતી. બંને ઉત્તર ભારતના વિવિધ શહેરોમાં સાથે રહ્યા હતા. જોકે એક હોટલમાં હર્ષિદા નાહવા ગઈ હતી ત્યારે તેનો બોયફ્રેન્ડ દાગીના લઈને ફરાર થઈ ગયો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
હાલ હાઈકોર્ટમાં મહિલાના આક્ષેપો અને પોલીસના જવાબોને લઈને કાનૂની પ્રક્રિયા આગળ વધી રહી છે, જેના પર સૌની નજર ટકેલી છે.
