Bavla Drainage Problem : અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં વિકાસના દાવાઓની વચ્ચે એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. શહેરની નવ સોસાયટીઓના હજારો રહીશો છેલ્લા સાત વર્ષથી ગટર (Drainage)ના ગંદા પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તંત્રની ઘોર ઉદાસીનતાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગટર (Drainage)ના પાણીનો કહેર
વર્ષ 2019થી ચાલી આવતી આ સમસ્યાએ આલોક સીટી, સેટેલાઈટ પાર્ક, સેટેલાઈટ ફ્લેટ, સૂર્ય દર્શન ફ્લેટ, સૂર્ય દર્શન ગોલ્ડ, ગોકુલ ફ્લેટ, નારાયણ રેસીડેન્સી અને રોયલ હોમ્સ જેવા વિસ્તારોને બાનમાં લીધા છે. અહીં ગટર લાઈનોની ખરાબ વ્યવસ્થાને કારણે રસ્તાઓ પર સતત ગંદુ પાણી ભરાયેલું રહે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ગંદા પાણીને કારણે વિસ્તારમાં માખી અને મચ્છરોનો ઉપદ્રવ પણ અસહ્ય બની ગયો છે.

બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી
શું આને કહેવાય વિકાસ? ગટર (Drainage)ના ગંદા પાણી વચ્ચે બાળકો શાળાએ જવા મજબૂર છે. નાના બાળકોને શાળાએ જવા માટે આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, જેના કારણે તેમના કપડાં તો બગડે જ છે પણ સાથે ગંભીર બીમારીઓનો ભય પણ રહે છે.રહીશોને ડર છે કે જો વહેલી તકે ઉકેલ નહીં આવે, તો કોઈ મોટો જીવલેણ રોગચાળો ફાટી નીકળશે.

“કાન પર જૂ નથી રેંગતી”, રહીશોનો આક્રોશ
સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 7 વર્ષમાં મ્યુનિસિપલ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ, તંત્ર તરફથી માત્ર ઠાલા આશ્વાસનો જ મળ્યા છે. પણ કામ શૂન્ય છે.રોગચાળો ફાટે તેની રાહ જોવાય છે કે શું ?

સ્થાનિકોનું કહવું છે કે અમે રજૂઆતો કરીને થાકી ગયા છીએ, “હવે જો આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવા મજબૂર થઈશું,”
બાવળાનો આ કિસ્સો સાબિત કરે છે કે સ્માર્ટ સિટીની વાતો વચ્ચે હજુ પણ પાયાની સુવિધાઓ માટે સામાન્ય જનતાને વર્ષો સુધી સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
