Ahmedabad News: અમદાવાદ જિલ્લાના બાવળા વિસ્તારમાં ડમ્પર ચાલકોની બેફામી ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે.બલદાણા-બેગામડા માર્ગ પર ઝડપી ડમ્પરે બાઇક સવાર એક આશાસ્પદ યુવાન ડોક્ટરને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.મૃત યુવાનનું નામ ડૉ. યશ હિંમત ઝાપડિયા છે, જેની ઉંમર માત્ર 28 વર્ષની હતી. આ દુઃખદ ઘટના બાવળા તાલુકાના બલદાણા અને બેગામડા ગામને જોડતા માર્ગ પર બની હતી.
અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન મૂકી ફરાર
મળતી માહિતી અનુસાર, ડૉ. યશ ઝાપડિયા પોતાના બાઇક પરથી ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરની તીવ્રતા એટલી હતી કે ડૉ. યશને ગંભીર ઇજા થઈ અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું. આ અકસ્માતમાં (Accident) ડૉ. યશનું અકાળ મોત થતાં તેમના પરિવાર અને સ્થાનિકોમાં દુઃખનો માહોલ છવાઈ ગયો છે.અકસ્માત સર્જાતા જ ડમ્પર ચાલકે વાહન છોડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ જવાની કોશિશ કરી હતી.
જોકે, બનાવની જાણ થતાં કેરાળા GIDC પોલીસ સ્ટેશનની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ડૉ. યશ ઝાપડિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો છે. ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે.

