Bharuch News:ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો.જેમાં આરતી કંપનીમાંથી કામ પતાવીને પરત ફરી રહેલા કોન્ટ્રાક્ટ કામદારોને લઈ જતો આઇશર ટેમ્પો અચાનક પલટી જતાં 30થી વધુ શ્રમિકોને ગંભીર તેમજ સામાન્ય ઇજા પહોંચી હતી.
બ્લેક રોઝ કંપની પાસેના વળાંક પાસે અકસ્માત
માહિતી અનુસાર, આ અકસ્માત (Accident) બ્લેક રોઝ કંપની પાસેના વળાંક પર બન્યો હતો. શ્રમિકોને ઘરે પરત મોકલવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા આઇશર ટેમ્પોની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટેમ્પોમાં ભારે સંખ્યામાં શ્રમિકો બેઠા હતા ત્યારે ચાલકે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો.
ઈજાગ્રસ્તોને અંકલેશ્વરની ખાનગી હોસ્પિ.માં ખસેડાયા
આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા તમામ શ્રમિકોને તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરીને નજીકની અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ, ઇજાગ્રસ્તોમાંથી ત્રણ શ્રમિકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

