Rajkot News : રાજકોટ (Rajkot)માં જાણીતી અને ગ્રાહકોમાં લોકપ્રિય ગણાતી ‘બાલાજી થાળ’ (Balaji Thal)હોટેલમાં ફૂડ વિભાગના ઓચિંતાં ચેકિંગ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે 150 ફૂટ રિંગ રોડ પર આવેલી હોટેલમાં તપાસ દરમિયાન લોટમાં ધનેડા મળી આવતા આશરે 100થી 150 કિલો અખાદ્ય અને વાંધાજનક ખાદ્ય સામગ્રીનો નાશ કર્યો હતો.
ફૂડ સેફ્ટી ઓફિસર રાજુલ પરમારની આગેવાની હેઠળ હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન સ્ટોરેજ અને કિચન વિસ્તારમાં અનેક ખામીઓ સામે આવી હતી. તપાસમાં રસોઈ માટે વપરાતા લોટમાં જીવાત જોવા મળી હતી. ઉપરાંત, કેટલાક મસાલાના પેકેટ્સ પર ઉત્પાદન તારીખ કે એક્સપાયરીની માહિતી પણ ઉપલબ્ધ નહોતી, જેના કારણે ખાદ્ય સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

ફૂડ વિભાગે હોટેલના ફ્રિજમાંથી વાસી ચટણીઓ અને તૈયાર ખાદ્ય સામગ્રીનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ આવા ખોરાકના સેવનથી ફૂડ પોઇઝનિંગ સહિતની ગંભીર આરોગ્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે.
‘બાલાજી થાળ’ (Balaji Thal)હોટેલમાં એક થાળીના રૂ.360 જેટલા ચાર્જ લેવાય છે
વિશેષ બાબત એ છે કે, ‘બાલાજી થાળ’ (Balaji Thal)હોટેલમાં એક થાળીના રૂ.360 જેટલા ચાર્જ લેવામાં આવે છે. તેમ છતાં ગ્રાહકોને આપવામાં આવતા ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે બેદરકારી સામે આવતા ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મનપાએ હોટેલ સંચાલકને નોટિસ ફટકારી રૂ.10,000નો દંડ પણ વસૂલ્યો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બીજી તરફ, હોટેલના માલિક પૃથ્વીરાજસિંહ ઝાલાએ દાવો કર્યો છે કે ધનેડા સપ્લાય થયેલા અનાજમાંથી આવ્યા હોઈ શકે છે. તેમણે ભવિષ્યમાં સ્ટોરમાં આવતી સામગ્રીનું વધુ કડક ચેકિંગ કરવાની ખાતરી આપી છે. જોકે, ગ્રાહકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનો સમાધાન ન ચાલે તેવી માંગ ઉઠી રહી છે.
