Surat News/ સુરતના ભૂતિયા ડિમોલિશન મામલે સરકાર એક્શન મોડમાં

નાસીર નગરમાં થયેલા ડિમોલિશન (Demolition)પાછળ મનપા અને કેટલાક પોલીસ અધિકારીઓની સંભવિત ભૂમિકાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે

Top Stories Gujarat Surat
સુરત (Surat)ના વેડરોડ વિસ્તારના નાસીર નગર ખાતે થયેલા ચર્ચાસ્પદ ‘ભૂતિયા ડિમોલિશન’ (Demolition)કેસે હવે રાજ્યભરમાં રાજકીય અને વહીવટી ખળભળાટ મચાવ્યો છે

Surat News : સુરત (Surat)ના વેડરોડ વિસ્તારના નાસીર નગર ખાતે થયેલા ચર્ચાસ્પદ ‘ભૂતિયા ડિમોલિશન’ (Demolition)કેસે હવે રાજ્યભરમાં રાજકીય અને વહીવટી ખળભળાટ મચાવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને ગાંધીનગર સુધી ફરિયાદો પહોંચતાં રાજ્ય સરકારે મામલાને ગંભીરતાથી લઈને ગુપ્ત તપાસના આદેશ આપ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ વચ્ચે સુરત મહાનગરપાલિકાના ટોચના પદાધિકારીઓને પણ તાત્કાલિક ગાંધીનગર બોલાવવામાં આવ્યા હોવાની ચર્ચા છે.

સુરત પોલીસને તપાસથી દૂર રાખવાનો નિર્ણય

સૂત્રોના જણાવ્યા મુજબ, નાસીર નગરમાં થયેલા ડિમોલિશન (Demolition)પાછળ મનપા અને કેટલાક પોલીસ અધિકારીઓની સંભવિત ભૂમિકાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે. આ જ કારણસર ગૃહ વિભાગે સ્થાનિક સ્તરે કોઈપણ પ્રકારના પ્રભાવને ટાળવા માટે સુરત પોલીસને તપાસ પ્રક્રિયાથી દૂર રાખી છે.

સરકારે સમગ્ર મામલાની સત્ય હકીકત બહાર લાવવા માટે સુરત ગ્રામ્યના એક ઉચ્ચ અધિકારીને જવાબદારી સોંપી હોવાનું કહેવાય છે. રેન્જ આઈજીની દેખરેખ હેઠળ પુરાવા અને માહિતી એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ વિગતવાર રિપોર્ટ સીધો ગાંધીનગર મોકલવામાં આવશે.

મેયર સહિતના પદાધિકારીઓ ગાંધીનગર પહોંચ્યા

મામલો વધુ ગરમાતાં સુરતના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અન્ય શાસક પક્ષના અગ્રણીઓને ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. ઉચ્ચ સ્તરીય બેઠકમાં નાસીર નગર ડિમોલિશન (Nasir Nagar Demolition)અંગેની સ્થિતિ અને વિગતો અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સરકાર હવે આ સમગ્ર ઘટનાની પાછળ કોણ છે અને કોના ઈશારે કાર્યવાહી થઈ તે જાણવા માટે ગંભીરતાથી તપાસ આગળ ધપાવી રહી છે.

વિનુ મોરડિયાના નિવેદન બાદ વધ્યો વિવાદ

સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયાએ અગાઉ જાહેરમાં નિવેદન આપ્યું હતું કે નાસીર નગરમાં થયેલું ડિમોલિશન સુરત મહાનગરપાલિકાની સત્તાવાર કાર્યવાહી નહોતી. તેમણે તેને ‘ભૂતિયા ડિમોલિશન’ ગણાવી સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી.

તેમના નિવેદન બાદ જ સમગ્ર મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો અને ગાંધીનગર સ્તરે પણ હરકત જોવા મળી હોવાનું માનવામાં આવે છે.

કોંગ્રેસનો સરકાર પર હુમલો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ ઘટનાને ગરીબો વિરુદ્ધનું ષડયંત્ર ગણાવી રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે કોઈપણ પ્રકારની કાયદેસરની નોટિસ વિના ગરીબોના ઘરો તોડી પાડવામાં આવ્યા અને હવે જવાબદારી સ્વીકારવા કોઈ તૈયાર નથી.

કોંગ્રેસે માંગ કરી છે કે ડિમોલિશન માટે જવાબદાર વ્યક્તિઓ, સંબંધિત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સામે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવે.

3 દિવસનું અલ્ટીમેટમ, ઉગ્ર આંદોલનની ચીમકી

અમિત ચાવડાએ સરકારને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપતાં જણાવ્યું છે કે જો આ સમયગાળામાં જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ સુરત પહોંચી સ્થાનિક લોકો સાથે ઉગ્ર આંદોલન કરશે.

કોંગ્રેસે લેન્ડ ગ્રેબિંગ સહિતના ગુનાઓ નોંધવાની પણ માંગ કરી છે અને ડિમોલિશનથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક વૈકલ્પિક રહેઠાણ આપવાની અપીલ કરી છે.

રાજકીય આરોપ-પ્રત્યારોપ અને સરકારની ગુપ્ત તપાસ વચ્ચે હવે સૌની નજર આગામી દિવસોમાં સામે આવનારા રિપોર્ટ અને સંભવિત કાર્યવાહી પર ટકેલી છે.


આ પણ વાંચો : સુરત ઉધના રેલ્વે સ્ટેશન સામે 70થી વધુ દુકાનો જમીનદોસ્ત કરાઇ

આ પણ વાંચો : મેગા ડિમોલિશન સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી

આ પણ વાંચો : સુરત: આદિવાસી બાળકોની હોસ્ટલના ડિમોલીશનનો વિદ્યાર્થીઓએ રામધુન બોલાવી કર્યો વિરોધ