Ahmedabad News: અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં જાન્યુઆરી મહિનામાં બનેલી એક દુખદ ઘટના હવે કાનૂની વળાંક પર પહોંચી છે. રિક્ષાચાલક વસીમના મૃત્યુ બાદ તેની પત્નીએ બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં પતિને માનસિક ત્રાસ આપી આત્મહત્યા (Suicide) કરવા મજબૂર કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
પરિવારજનોએ પોલીસમાં આપેલી માહિતી મુજબ, વસીમે પોતાની રિક્ષા 40,000 રૂપિયામાં શાહરૂખ ઉર્ફે આચા નામના વ્યક્તિ પાસે ગીરવે મૂકી હતી. નક્કી કરાયેલા નિયમ પ્રમાણે રિક્ષા સવારે વસીમ ચલાવતો અને સાંજે અલ્લાહરખા ઉર્ફે અલ્લુને આપવામાં આવતી હતી.
પરંતુ 18 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે રિક્ષા લેવા જતા વસીમનો અલ્લુ સાથે વિવાદ થયો હતો. પરિવારના કહેવા પ્રમાણે, આ ઝઘડા દરમિયાન તેને રિક્ષા ન આપતા અને અપમાનજનક શબ્દો બોલાતા વસીમ માનસિક રીતે વ્યથિત થયો હતો.

એસિડ પી લીધાની ઘટના
તે જ સાંજે વસીમે પોતાની પત્નીને ફોન કરી રિક્ષા મુદ્દે થયેલા ઝઘડાની જાણ કરી હતી. બાદમાં પત્ની ઘરે પરત ફરતી વખતે કેલીકો મીલ નજીક વસીમ મળ્યો હતો. પરિવારના આક્ષેપ મુજબ, મનદુઃખમાં વસીમે પોતાની પત્નીની હાજરીમાં જ પ્લાસ્ટિકની બોટલમાં રહેલું પીળાશ પડતું પ્રવાહી (એસિડ જેવી વસ્તુ) પી લીધું હતું.
તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને LG Hospital ખાતે ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. ચાર દિવસની સારવાર બાદ 22 જાન્યુઆરી, 2026ના રોજ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પત્નીની ફરિયાદ અને પોલીસ કાર્યવાહી
પતિના અવસાન બાદ શોકમાંથી બહાર આવ્યા પછી વસીમની પત્નીએ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં શાહરૂખ ઉર્ફે આચા અને અલ્લાહરખા ઉર્ફે અલ્લુ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં બંનેએ પતિને ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબૂર કર્યા હોવાનો આરોપ મૂકાયો છે.
પોલીસ દ્વારા કેસ નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક રીતે આત્મહત્યા પ્રેરણા (Abetment to Suicide)ની દિશામાં તપાસ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તમામ પાસાઓની તપાસ કર્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સમાજ માટે ચેતવણીરૂપ ઘટના
આ ઘટના શહેરમાં ચકચાર મચાવી દીધી છે. રોજગાર અને આર્થિક દબાણ વચ્ચે કામ કરતા નાનકડા વ્યવસાયિકો પર વધતા તણાવ અને વિવાદો ગંભીર પરિણામો આપી શકે છે, તે બાબત ફરી એકવાર ચર્ચામાં આવી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં પ્રેમ લગ્નના બે વર્ષ બાદ પત્નીએ પતિ પર ફેંક્યું એસિડ
આ પણ વાંચો:કલોલમાં રિક્ષાચાલકે 5 મહિલા હોમગાર્ડ પર કર્યો એસિડ એટેક, આરોપી ઝડપાયો
આ પણ વાંચો:સુરતમાં પાન પાર્લરના માલિક પર એસિડ એટેક, સિગારેટ ઉધાર ન આપતા કર્યો હુમલો
