Rajkot News : રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકામાં 7 વર્ષની માસૂમ બાળકી પર થયેલા ચકચારી દુષ્કર્મ (Rape)ના કેસમાં ન્યાયિક ઇતિહાસમાં નોંધપાત્ર ઉદાહરણ સર્જાયું છે. માત્ર 34 દિવસમાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવી દીધો, જ્યારે સજાનો અંતિમ ચુકાદો 15 જાન્યુઆરીએ સંભળાવવાનો રહેશે. આ કેસે સમગ્ર રાજ્યમાં હચમચાવી દીધું હતું અને સમાજમાં ભારે રોષ ફેલાવ્યો હતો.
રમતાં બાળકીને અપહરણ કરી દુષ્કર્મ (Rape) આચર્યું
4 ડિસેમ્બરે રાજકોટ જિલ્લાના કાનપર ગામે બપોરના સમયે ભોગ બનનાર બાળકી પોતાના ભાઈ–બહેનો સાથે ઘરની નજીક રમતી હતી. તે દરમિયાન ત્રણ સંતાનોના પિતા એવા રેમસીંગ તેરસીંગ નામના આરોપીએ મોટરસાઈકલ પર આવી બાળકીનું અપહરણ કર્યું હતું. બાળકીની સાથે આરોપીએ એકાંત સ્થળે લઈ જઈ ગંભીર ગુનાહિત કૃત્ય આચર્યું હતું, દુષ્કર્મ (Rape)ના કારણે બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની હતી.
બાળકીની ચીસો સાંભળીને નજીકમાં રહેલા પરિવારજનો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધી આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. દુષ્કર્મ (Rape) ની આ ઘટના પછી બાળકીને તાત્કાલિક સારવાર માટે કાનપરના સરકારી દવાખાને લઈ જવામાં આવી હતી.
ત્રણ હોસ્પિટલમાં સારવાર, સમયસર તબીબી પ્રયાસથી જીવ બચ્યો

બાળકીની હાલત અત્યંત નાજુક હોવાથી તેને પહેલા જસદણ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વિશેષ તબીબી ટીમ દ્વારા તાત્કાલિક સારવાર અને જરૂરી પ્રક્રિયા કરવામાં આવી હતી. તબીબોના સંયુક્ત પ્રયાસોના કારણે બાળકીનો જીવ બચી ગયો, પરંતુ ઘટના બાળકી અને પરિવાર માટે ગંભીર આઘાતરૂપ સાબિત થઈ.
પોલીસની ઝડપી કાર્યવાહી: 11 દિવસમાં ચાર્જશીટ
બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે વિશેષ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. 8 ડિસેમ્બરે આરોપીને શંકાના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન:
-
ઘટનાસ્થળેથી મહત્વના ભૌતિક પુરાવા મળ્યા
-
એફએસએલ અને ડીએનએ રિપોર્ટ દ્વારા આરોપી સાથે પુરાવાની કડી જોડાઈ
-
મોબાઈલ CDR દ્વારા બનાવ સમયે આરોપીની હાજરી ઘટનાસ્થળ નજીક હોવાનું સાબિત થયું
પોલીસે માત્ર 11 દિવસમાં સમગ્ર તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરી, જે ઝડપી અને અસરકારક તપાસનું ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.
કોર્ટમાં બચાવ પક્ષની દલીલો અને સરકાર પક્ષનો મજબૂત જવાબ
ટ્રાયલ દરમિયાન આરોપી પક્ષે પુરાવા, ઓળખ પરેડ, મેડિકલ નોંધો અને તપાસની પ્રક્રિયા અંગે વિવિધ દલીલો કરી હતી. જોકે સરકાર પક્ષે મેડિકલ, મૌખિક અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ દ્વારા તમામ દલીલોને મજબૂતીથી ખંડન કરી હતી.
કોર્ટે નોંધ્યું કે આરોપી બનાવ સમયે પોતાની હાજરી અંગે વિશ્વસનીય ‘એલિબી’ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે અને પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓ પર કોઈ શંકા રહેતી નથી.
સરકાર પક્ષની અસરકારક દલીલો
આ સંવેદનશીલ કેસમાં જિલ્લા સરકારી વકીલ સંજય કે. વોરા અને મદદનીશ જાહેર વકીલ પ્રશાંત પટેલ દ્વારા સરકાર પક્ષની દલીલો સશક્ત રીતે રજૂ કરવામાં આવી હતી. કોર્ટે સરકાર પક્ષની રજૂઆતને સ્વીકારી આરોપીને દોષિત ઠેરવ્યો છે.
સમાજ માટે કડક સંદેશ
દુષ્કર્મ (Rape)ના આ કેસમાં ઝડપી તપાસ, ઝડપી ટ્રાયલ અને સમયબદ્ધ ચુકાદાએ સમાજમાં સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બાળકો સામેના ગુનાઓમાં કોઈ દયા નહીં. હવે સમગ્ર રાજ્યની નજર 15 જાન્યુઆરી પર ટકી છે, જ્યારે કોર્ટ આરોપીને કેટલી કડક સજા સંભળાવે છે તે જાહેર થશે.
