Air India plane/ ફરી એકવાર એર ઇન્ડિયાની કમાન ટાટા ગ્રુપના હાથમાં હશે ? જાણો વિગતો

JRD ટાટાએ 1932 માં ટાટા એર સર્વિસ શરૂ કરી હતી, જે બાદમાં ટાટા એરલાઈન્સ બની અને 29 જુલાઈ 1946 ના રોજ તે પબ્લિક લિમિટેડ કંપની બની

Top Stories

જો બધુ બરાબર ચાલ્યું તો, દેવા હેઠળ ડૂબેલી જાહેર ક્ષેત્રની એરલાઇન એર ઇન્ડિયા ફરી એક વખત ટાટા ગ્રુપના હાથમાં જઈ શકે છે.  એર ઇન્ડિયાનું ભવિષ્ય નક્કી થવાનું છે. આ એરલાઈન માટે બોલી લગાવવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર હતી, જે આજે પૂરી થઈ રહી છે. ટાટા સન્સ પણ આ એરલાઇન માટે બિડર્સમાં સામેલ છે. ટાટા સન્સના પ્રવક્તાએ જણાવ્યું કે એર ઇન્ડિયા માટે નાણાકીય બિડ રજૂ કરવામાં આવી છે. સ્પાઇસ જેટના પ્રમોટર અજય સિંહે પણ એર ઇન્ડિયા માટે બોલી લગાવી છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે.

એરલાઇન 1932 માં શરૂ કરવામાં આવી હતી

JRD ટાટાએ 1932 માં ટાટા એર સર્વિસ શરૂ કરી હતી, જે બાદમાં ટાટા એરલાઈન્સ બની અને 29 જુલાઈ 1946 ના રોજ તે પબ્લિક લિમિટેડ કંપની બની. 1953 માં સરકારે ટાટા એરલાઇન્સ હસ્તગત કરી અને તે એક સરકારી કંપની બની. હવે ફરી એક વખત ટાટા ગ્રુપના ટાટા સન્સે આ એરલાઇનમાં રસ દાખવ્યો છે. એટલે કે, લગભગ 70 વર્ષ પછી ફરી એક વખત એર ઇન્ડિયા ટાટા ગ્રુપ પાસે જવાની ધારણા છે. ટાટા સન્સ ગ્રુપમાં 66 ટકા હિસ્સો ધરાવે છે, અને ટાટા ગ્રુપના મુખ્ય હિસ્સેદાર છે.

સરકારે કહ્યું કે તેને રાષ્ટ્રીય કેરિયર એર ઇન્ડિયા ખરીદવા માટે ઘણી નાણાકીય બિડ મળી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (ડીઆઇપીએએમ) ના સચિવ તુહિનકાંત પાંડેએ ટ્વિટર પર લખ્યું: “ટ્રાન્ઝેક્શન એડવાઇઝરને એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ માટે નાણાકીય બિડ મળી છે. પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે.

કેન્દ્ર સરકાર સરકારી માલિકીની એરલાઇનમાં તેનો 100 ટકા હિસ્સો વેચવા માંગે છે જેમાં એર ઇન્ડિયાનો 100 ટકા હિસ્સો AI એક્સપ્રેસ લિમિટેડમાં અને એર ઇન્ડિયા SATS એરપોર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડનો 50 ટકા હિસ્સો સામેલ છે. 2007 માં ડોમેસ્ટિક ઓપરેટર ઇન્ડિયન એરલાઇન્સ સાથે મર્જર થયા બાદ એરલાઇનને નુકસાન થઇ રહ્યું છે. વર્ષ 2017 થી સરકાર એર ઇન્ડિયાનું વિનિવેશ કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારથી પ્રયત્નો સફળ થયા નથી.