ગયા મહિને કાબુલ એરપોર્ટ પર હુમલો કરનાર આત્મઘાતી હુમલાવરનું ભારત જોડાણ સામે આવ્યું છે. આ અંગે દિલ્હી પોલીસ હાઇ એલર્ટ પર છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આતંકી અબ્દુર રહેમાન અલ-લોગરીની 2016 માં દિલ્હી-હરિયાણા બોર્ડર પર ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી ચિન્મોય બિસ્વાલે કહ્યું કે દિલ્હી પોલીસ આ અંગે સંપૂર્ણ રીતે સજાગ છે.
ઉલ્લેખનીય છે કે ઈસ્લામિક સ્ટેટ ખોરાસન (ISIS-K) એ મોટો ખુલાસો કર્યો હતો કે ગયા મહિને કાબુલ એરપોર્ટ પર હુમલો કરનાર આત્મઘાતી બોમ્બરની દિલ્હીમાં પાંચ વર્ષ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને જેલમાં મોકલવામાં આવ્યો અને બાદમાં તેને અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યો. ISIS-K એ તેના મેગેઝિનના નવા અંકમાં આ દાવો કર્યો છે. આ દાવા બાદ હવે ઘણા સવાલો ઉભા થવા લાગ્યા છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન બાદ 26 ઓગસ્ટના રોજ કાબુલના હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 200 અમેરિકન સૈનિકો સહિત 200 લોકો માર્યા ગયા હતા. ISIS- K એ હુમલાની જવાબદારી લીધી હતી. આતંકી સંગઠનનો આતંકી 2016 માં દિલ્હીમાં પકડાયો હતો.
ISIS- K એ દાવો કર્યો હતો કે અબ્દુર રહેમાન અલ-લોગરી નામનો આત્મઘાતી હુમલાવર પાંચ વર્ષ પહેલા ભારતમાં પકડાયો હતો, જ્યારે તે ‘કાશ્મીરનો બદલો લેવા’ ભારત પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યો હતો. તેને દિલ્હી પોલીસે પકડી લીધો હતો. જેલમાં સજા ભોગવ્યા બાદ તેને ફરીથી અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યો હતો અને અમેરિકી સેનાની મદદથી કાબુલ એરપોર્ટ પરથી લોકોને બહાર કાઢવા દરમિયાન આ હુમલો કરવામાં આવ્યો હતો.
