IPL 2021 નાં પ્રથમ તબક્કામાં નિરાશાજનક પ્રદર્શન ભૂલીને UAE માં રાજસ્થાન રોયલ્સ (RR) એ નવી શરૂઆત કરી છેે. રાજસ્થાનએ મંગળવારે બીજા તબક્કાની પોતાની પ્રથમ મેચમાં રોમાંચક જીત નોંધાવી હતી. RR એ પંજાબ કિંગ્સ (PBKS) ને 2 રનથી હરાવ્યું છે. સંજુ સેમસનની આગેવાનીવાળી રાજસ્થાને 185 રન બનાવ્યા અને પછી પંજાબને 183/4 પર રોકી દીધું હતુ. આ જીત સાથે રાજસ્થાનનાં કેમ્પમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. જોકે કેપ્ટન સંજુ સેમસન પર પેનલ્ટીનાં કારણે ટીમની જીત ફીંકી પડી ગઇ હતી.

આ પણ વાંચો – RR vs PBKS / કાર્તિક ત્યાગીએ અંતિમ ઓવરમાં કરી બતાવ્યો કમાલ, જુઓ આ નિર્ણાયક ઓવર
આપને જણાવી દઇએ કે, સંજુ સેમસનને પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન સ્લો ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ભોગવવો પડશે. IPL એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજસ્થાન રોયલ્સનાં કેપ્ટન સંજુ સેમસનને દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે રમાયેલી IPL મેચ દરમિયાન સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. નિવેદન અનુસાર, “IPL આચારસંહિતાનાં સ્લો ઓવર રેટને લગતા નિયમો અનુસાર, ટીમ પ્રથમ વખત નિર્ધારિત સમયમાં ઓવર પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી અને તેથી સેમસનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.”

આ પણ વાંચો – RR vs PBKS / શરમજનક હાર બાદ કેએલ રાહુલે કહ્યુ- ખેલાડીઓ હજુ પણ ભૂતકાળની ભૂલોમાંથી શીખ્યા નથી
જણાવી દઇએ કે, લક્ષ્યનો પીછો કરતા પંજાબે સારી શરૂઆત કરી હતી. કેપ્ટન કેએલ રાહુલ (33 બોલમાં 49) અને મયંક અગ્રવાલ (43 બોલમાં 67) એ પ્રથમ વિકેટ માટે 120 રનની ભાગીદારી નોંધાવી હતી. 19 મી ઓવર સુધી મેચ પંજાબનાં હાથમાં લાગતી હતી, પરંતુ રાજસ્થાનનાં કાર્તિક ત્યાગીએ 20 મી ઓવરમાં ચમત્કાર કર્યો હતો. અંતિમ ઓવરમાં પંજાબને જીતવા માટે 4 રનની જરૂર હતી પરંતુ ત્યાગીએ માત્ર એક રન ખર્ચ કર્યો હતો. એટલું જ નહીં, યુવા બોલરે બે મહત્વની વિકેટ પણ લીધી હતી. તેણે ઓવરનાં ત્રીજા બોલ પર નિકોલસ પૂરણ (32) અને પાંચમા બોલ પર દીપક હુડા (0) ને આઉટ કરી ટીમને ચમત્કારી જીત અપાવી હતી.
