વેક્સિનનું નામ સાંભળતાની સાથે જ ઘણા લોકોને ઇન્જેક્શનની સોયની બીક લાગે છે. અમેરિકાના વૈજ્ઞાનિકો આવા લોકોનો ડર દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. એક એવો છોડ વિકસિત કરી રહ્યા છે, જે ખાધા પછી વ્યક્તિના શરીરમાં વેક્સિન પહોંચી જશે. તેની શરૂઆત કોવિડ વેક્સિનથી થશે. સરળ ભાષામાં સમજીએ તો લોકોને છોડ ખવડાવીને વેક્સિન આપવામાં આવશે. અમેરિકાની યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા રિવરસાઈડના સંશોધકો આ વેક્સિનવાળો છોડ વિકસિત કરી રહ્યા છે. છોડની મદદથી કોરોનાની એમઆરએનએ વેક્સિન મનુષ્યના શરીરમાં પહોંચાડવામાં આવશે.
એમઆરએનએ ટેક્નોલોજીથી કોવિડ વેક્સિન કેવી રીતે કરશે કામ
ફાઇઝર અને મોડર્નાએ તેમની વેક્સિન બનાવવા માટે એમઆરએનએ ટેક્નિકની મદદ લીધી છે. આની પહેલાં આ ટેક્નિકનો ઘણો ઓછો ઉપયોગ થતો હતો. હાલમાં કોવિડ વેક્સિન બનાવવામાં આ ટેક્નોલોજીનો ઉપયોગ વધી ગયો છે. ઘણી કંપનીઓ ફ્લૂની રસી બનાવવા માટે એમઆરએનએ ટેક્નિક વાપરી રહી છે. ટેક્નોલોજીથી તૈયાર કોવિડ વેક્સિન રોગો સામે લડનારી ઇમ્યુન સિસ્ટમને ટ્રેનિંગ આપે છે કે કોરોના વાઇરસનો સ્પાઇક પ્રોટીન કેવો હોય છે. ટ્રેનિંગ પછી શરીર સ્પાઇક પ્રોટીન સમજવા લાયક બને છે. જ્યારે પણ શરીર કોરોના સંક્રમિત થાય છે ત્યારે ઇમ્યુન સિસ્ટમ તે વાઇરસના સ્પાઇક પ્રોટીનને ઓળખી લે છે અને તેને પૂરો કરવાના પ્રયત્નો કરે છે.
આ વેક્સિનથી કેવા આવશે બદલાવ

સંશોધકોએ કહ્યું કે, જે ટેક્નોલોજીથી ફાઇઝર-બાયોટેક અને મોડર્નાની વેક્સિન રેડી કરી છે અમે એ જ ટેક્નોલોજી વાપરીને છોડ દ્વારા માણસો સુધી વેક્સિન પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. છોડ સરળતાથી પચી જાય છે જ્યારે સિરિંજથી વેક્સિન લીધા પછી સાઈડ ઈફેક્ટનું જોખમ રહે છે. ઓછા તાપમાનમાં છોડ રાખવાથી તેમાં હાજર વેક્સિન ખરાબ થવાની પણ કોઈ બીક નહીં રહે. જો આ પ્રયોગ સફળ રહેશે તો ઓછી આવકવાળા દેશ માટે વેક્સિનવાળો છોડ એક વરદાન બનશે. હાલ કોવિડની વેક્સિનની સરખામણીએ આ છોડનું સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશન પણ સરળ હશે અને ખર્ચો પણ ઓછો આવશે.
એક છોડ એક વ્યક્તિ માટે પર્યાપ્ત
કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધક જુઆન પાબ્લોએ કહ્યું કે, એક છોડ એક વ્યક્તિ માટે પર્યાપ્ત છે. એમઆરએનએનું નિર્માણ કરશે અને તેને વેક્સિનેટ કરી શકશે. અમારો લક્ષ્ય છોડ દ્વારા વેક્સિન પહોંચાડવાનો છે આથી અમે અમારા બગીચામાં પાલક અને લેટ્ટયુસ વાવી રહ્યા છીએ. ખેડૂતો પણ તેને આખા ખેતરમાં વાવી શકશે.
છોડના ક્લોરોપ્લાસ્ટમાં એમઆરએનએ પહોંચાડશે

સંશોધકોનું માનવું છે કે, છોડમાં હાજર ક્લોરોપ્લાસ્ટ એમઆરએનએ સંભાળી શકે છે. ક્લોરોપ્લાસ્ટ શું છે, તે પણ સમજીએ. છોડમાં જે પિગ્મેન્ટને લીધે તેનો રંગ લીલો હોય છે, તેને ક્લોરોપ્લાસ્ટ કહેવાય છે. એમઆરએનએ ક્લોરોપ્લાસ્ટમાં કેવી રીતે પહોંચાડવામાં આવે અને કેવી રીતે લાંબા સમય સુધી સુરક્ષિત રાખવી તેનું રિસર્ચ ચાલુ છે. જો આ પ્રયોગ સફળ રહેશે તો આ ઓરલ વેક્સિનની જેમ કામ કરશે. -130 ડિગ્રી પર વેક્સિન સ્ટોર કરવાની જરૂર નહીં પડે હાલના સમયમાં એમઆરએનએ વેક્સિનને સ્ટોર કરવા માટે -130 ડિગ્રી તાપમાન અને ડ્રાય આઈસની જરૂર પડે છે. આ બધાને લીધે વેક્સિનની કિંમત વધી જાય છે અને ગ્રામીણ વિસ્તારોમાં વેક્સિન પહોંચાડવી પણ મુશ્કેલ બને છે, પરંતુ વેક્સિનવાળા છોડ સરળતાથી વિકસિત કરી શકાશે. આ છોડને બીજી જગ્યાએ પણ મોકલી શકાશે.
