દરોડા/ દહેગામમાં પાેલીસે દરોડા પાડીને વિદેશી દારૂ સહિત 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

દહેગામ પોલીસે દરોડો પાડી 16 લાખથી વધુના દારૂના જથ્થા સાથે કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બુટલેગરોને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે.

Gujarat

ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના અમદાવાદ નજીક ઝાક ગામે ખુલ્લા ખેતરમાં ચાલતા ભારતીય બનાવટી વિદેશી દારૂના કટીંગ પર દહેગામ પોલીસે દરોડો પાડી 16 લાખથી વધુના દારૂના જથ્થા સાથે કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બુટલેગરોને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર, દહેગામ પોલીસ પો.સ્ટે.ના પીઆઇ જે.કે રાઠોડ તેમજ પીએસઆઇ આર.વી મોરી સહિતનો સ્ટાફ બહિયલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકિકત મળી હતી કે, ઝાંક ગામે ખુલ્લી જગ્યામાં ભારતીય બનાવટી વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું છે જેના પગલે રેડ કરી તપાસ હાથ ધરતા મોટી માત્રામાં દારૂની બોટલો મળી આવી હતી.

પોલીસે વિદેશી દારૂની 3,935 બોટલો તેમજ બિયરની 576 બોટલો સહિત રૂ. 16,04,565નો વિદેશી દારૂના જથ્થા સાથે વાહનો મળી કુલ રૂ. 25,04,565નો મદ્દામાલ કબ્જે કરી દારૂનું કટિંગ કરનાર દિનેશભાઈ ડાહ્યાભાઈ ભરવાડ (રહે.રામનગર તા.દહેગામ) સહિત ફરાર ઇસમોની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે