ગુજરાત/ ભાદર ડેમ 24મી વખત ઓવરફલો થતા રાજકોટવાસીઓ ખુશખુશાલ જોવા મળ્યા

ભાદરમાંથી રાજકોટ, જેતપુર, ગોંડલ શહેર ઉપરાંત જૂથ યોજનામાં આવતા ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે

Gujarat Rajkot

રાજકોટની  જીવાદોરી સમાન ન્યારી અને આજી ડેમ મેઘરાજાની અમી દ્રષ્ટિના કારણે અગાઉ જ ઓવરફલો થઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં બીજા નંબરનો સૌથી મોટો ડેમ ભાદર આજે બપોરે 24મી વખત ઓવરફલો થઈ જતાં લોકોમાં હરખના ઘોડાપુર આવ્યા છે. ડેમના 29 દરવાજાઓ પૈકી 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ 965 ક્યુસેક પાણીની આવક સામે 965 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે. શહેરની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયો ઓવરફલો થઈ જતાં મહાપાલિકાના શાસકોએ આનંદની લાગણી વ્યકત કરતા શહેરીજનોને અભિનંદન પાઠવ્યા છે.

આ ડેમનું નિર્માણ 1965માં કરવામાં આવ્યું હતું. સ્થાપના કાળથી અત્યાર સુધીમાં ડેમ 24 વખત ઓવરફલો થઈ ગયો છે. ભાદરમાંથી રાજકોટ, જેતપુર, ગોંડલ શહેર ઉપરાંત જૂથ યોજનામાં આવતા ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે.રાજકોટને દૈનિક 45 એમએલડી પાણી ભાદર ડેમમાંથી મળે છે. છેલ્લા ત્રણ વર્ષથી ભાદર ડેમ સતત ઓવરફલો થઈ રહ્યો છે. પખવાડીયા પૂર્વે પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની માતબર આવક થવા પામી હતી. ત્યારબાદ ડેમની સપાટીમાં સતત વધારો થતો હતો. ગઈકાલે ડેમ 93 ટકા જેટલો ભરાઈ ગયો હતો.

ભાદર ડેમના હેઠવાસમાં આવેલા ગોંડલ તાલુકાના લીલાખા, મસિતાળા, ભંડારીયા, ખંભાલીડા, નવાગામ, જેતપુર તાલુકાના મોડપણથી, રસરાજ, દેરડી, નવાગઢ, રબારીકા, સરદાર, પાંચ પીપળી, કેરાળી, લુણાસર, વાડાસડા, જામકંડોરણાના તરવડા, ઈશ્ર્વરીયા, ધોરાજીના રેગડી, ઉમરકોટ સહિતના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સુચના આપવામાં આવી છે.

રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ભાદર ડેમ ઓવરફલો થતાં મેયર ડો.પ્રદિપ હવ, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા અને વોટર વર્કસ કમીટીના ચેરમેન દેવાંગભાઈ માંકડે આનંદની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા આજી અને ન્યારી અગાઉ જ ઓવરફલો થઈ ગયા છે. હવે ભાદર પણ ઓવર ફલો થઈ જતાં રાજકોટનું પીવાનું પાણીનું સંકટ દૂર થઈ ગયું છે.