કોંગ્રેસ પાર્ટી JNU નાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘનાં અધ્યક્ષ કન્હૈયા કુમાર અને ગુજરાતનાં વડગામ ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીને પક્ષમાં સામેલ કરવા જઈ રહી છે. આ સાથે તેમના કેટલાક અન્ય સાથીઓ પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીને તેમની પાસેથી ઉચ્ચ અપેક્ષાઓ છે અને આ બંને યુવાનોને કોંગ્રેસ સાથે જોડવાની કવાયત છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હોવાનુ સુત્રો કહી રહ્યા છે.
આ પણ વાંચો – ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો, આવતા દિવસોમાં 5 રૂપિયા સુધી થઇ શકે છે મોંઘુ
લાંબા સમયથી ચૂંટણીમાં હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ પાર્ટી હવે આ ચર્ચિત અને લોકપ્રિય ચહેરોઓનો ઉપયોગ કરીને યુવાનોને આકર્ષવા આતુર છે. પાર્ટી યુવાનોને તેની સાથે જોડાવાની વ્યૂહરચના પર કામ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે કન્હૈયા કુમારને બિહારમાં મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. એ નોંધવું જોઇએ કે બિહાર રાજ્યમાં કોંગ્રેસ પક્ષની સ્થિતિ સારી નથી અને છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાલત વધુ ખરાબ થઈ છે. અહીં કોંગ્રેસનાં હિસ્સામાં માત્ર 19 બેઠકો જ આવી હતી, જ્યારે CPI એ 12 બેઠકો જીતી હતી, તેથી કોંગ્રેસ અહીં કન્હૈયા કુમારને સ્થિર કરવાનો પ્રયાસ કરી રહી હોય તેવું સુત્રો તરફથી જાણવા મળ્યુ છે. કન્હૈયા બેગુસરાયનાં છે, તેમણે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સામે બેગુસરાયથી 2019 ની લોકસભા ચૂંટણી લડી હતી. એવું માનવામાં આવે છે કે કન્હૈયા કુમાર અને જીગ્નેશ મેવાણી સાથે રાહુલ ગાંધી મોદી વિરોધી રાજનીતિમાં બળ મેળવશે, તેમજ આ નેતાઓ દ્વારા યુવાનોમાં સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવશે કે રાહુલ ગાંધી રાષ્ટ્રીય સ્તરે મોદીનો વિકલ્પ છે.
આ પણ વાંચો – ચેતવણી / મુંબઈમાં આજે જોવા મળશે ચક્રવાત ‘ગુલાબ’ની અસર, ભારે વરસાદની છે આગાહી
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસ પાર્ટીનાં ઘણા યુવાન અને પ્રખ્યાત નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી છે, જેમાં જિતિન પ્રસાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા, પ્રિયંકા ચતુર્વેદી અને સુષ્મિતા દેવ વગેરે જેવા મહત્વનાં નામોનો સમાવેશ થાય છે. જણાવી દઇએ કે, કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 2007 માં યુથ કોંગ્રેસ અને NSUI માં પાર્ટીનાં મહાસચિવ તરીકે આંતરિક ચૂંટણીઓ શરૂ કરી હતી. તેનો ધ્યેય સંસ્થાનાં તળીયાનાં યુવા કાર્યકરોને વિકાસની તક આપવાનો હતો. તે એક સારો પ્રયાસ હતો, પરંતુ રાજ્યોમાં વરિષ્ઠ નેતાઓનાં પરિવાર સાથે જોડાયેલા યુવાનો મની પાવર દ્વારા ચૂંટણી જીતીને પોતે પદાધિકારી બન્યા.
