સરકાર દ્રારા બાળકોના અભ્યાસ પાછળ થતો ખર્ચ પાણીમાં આમા કેમ ભણશે ગુજરાત…
એક તરફ સરકાર દ્રારા છાત્રોના શિક્ષણ બાબતે મસમોટી વાતો અને અગણીત ખર્ચાઓ થાય છે. પરંતુ સરકારી પ્રા.શાળામાં અભ્યાસ કરતા છાત્રો ગણીતમાં કાચા હોવાનો કિસ્સો ઉના તાલુકાની ખજુદ્રા પ્રા.શાળામાં જોવા મળતો હોય તેમ આ શાળામાં ધો.૩ થી ૫ ના બાળકોને ૧૦૦ એકડા કે વાંચતા પણ ન આવડતુ હોય આમાં કેમ ભણશે ગુજરાત તેવા સવાલ સાથે વાલીઓ દ્રારા રોષ પૂર્વક ઉચ્ચકક્ષાએ રજુઆત કરેલ છે. તો બીજી તરફ શાળાના પ્રિન્સીપાલ આ બાબતથી વાકેફ ન હોવાનું રટણ કરી રહ્યા છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખજુદ્રા ગામમાં આવેલ પ્રા.શાળામાં ધો. ૧ થી ૮ માં ૫૪૮ છાત્રો અભ્યાસ કરતા હોય તેમાં ધો. ૩ થી ૫ માં અભ્યાસ કરતા છાત્રોને વાંચતા કે લખતા આવતું ન હોવાથી છાત્રોને ચાલુ કલાસે કાઢી મુકતા હોવાની રાવ સાથે વાલીઓમાં ભારે રોષ વ્યક્ત કરેલ.
આ ઉપરાંત સરકાર દ્વારા શિક્ષણ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે તેમ છતાં આ શાળામાં પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ શાળામાં શુદ્ધ પીવાનું પાણી મળતું નથી, સફાઈનો અભાવ હોય તેમજ આખો દિવસ શિક્ષકો મોબાઇલ લઈને બેઠા હોય તેવા અનેક પ્રશ્નો બાબતે ગામના અભ્યાસ કરતા છાત્રો તેમજ વાલીઓમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.
આ બાબતે છાત્રોના વાલીઓ દ્રારા શિક્ષકોને પુછતા શિક્ષકો પોતાની મનમાની રીતે વાલીઓને સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. આ બાબતે વાલી ગભરૂભાઇ ચોહાણએ જીલ્લા શિક્ષણ અધિકારીને સંબોધી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીને લેખિત રજુઆત કરી ખજુદ્રા પ્રા.શાળાની તપાસ કરી જવાબદારો સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરેલ છે.
શાળામાં ચાલુ ક્લાસમાં બાળકીને કાઢી મુકી…
ખજુદ્રા પ્રા.શાળામાં ધો. ૩ માં અભ્યાસ કરતી સ્નેહલ બેનના વાલી ગભરૂભાઇ ચોહાણએ જણાવેલ કે મારી દીકરીને ચાલુ શાળાએ કાઢી મૂકવામાં આવી હતી. કારણે કે એમને વાંચતા આવડતું નથી તો ખરેખર આના જવાબદાર શિક્ષક કે વાલી ? આ બાબતે વાલીએ રોષ વ્યક્ત કર્યો હતો.
મારા સુધી કોઇ પ્રશ્નો આવ્યાજ નથી..આચાર્ય, અરવિંદભાઇ..
ખજુદ્રા પ્રા.શાળાના આચાર્ય અરવિંદભાઇ બલદાણીયાનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે કોરોનાના કારણે બે વર્ષથી શાળા બંધ હતી. જેથી એક થી બે વિદ્યાર્થી નબડા હોવાથી આવડતુ ન હોય અને સરકારના નિયમ મુજબ પ૦ ટકા આજે અને ૫૦ ટકા છાત્રો બીજા દિવસે એમ બોલાવવામાં આવે છે આથી મારા સુધી વાલીઓ દ્રારા કોઇ પ્રશ્નો આવ્યા નથી.
