યુદ્ધગ્રસ્ત યુક્રેનની સ્થિતિ અને ત્યાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાના દેશના પ્રયાસો અંગે ચર્ચા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે બીજી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીએ રવિવારથી અત્યાર સુધી આવી અનેક બેઠકોની અધ્યક્ષતા કરી છે. કેન્દ્ર સરકાર એવા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે જેઓ રશિયાના હુમલા બાદ યુક્રેન છોડવા માગે છે.
પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના કેબિનેટ સાથી પીયૂષ ગોયલ ઉપરાંત ઘણા ટોચના અમલદારોએ હાજરી આપી હતી.
ભારતે તેના નાગરિકોને બહાર કાઢવા માટે “ઓપરેશન ગંગા” શરૂ કર્યું છે અને આ કવાયતનું સંકલન કરવા માટે ચાર કેન્દ્રીય મંત્રીઓને વડાપ્રધાનના ખાસ દૂત તરીકે યુક્રેનના પડોશી દેશોમાં મોકલ્યા છે. ભારતે શનિવારે કહ્યું કે તેનું મુખ્ય ધ્યાન પૂર્વ યુક્રેનિયન શહેર સુમીમાં ફસાયેલા લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓને બચાવવાનું છે, જ્યાં હવાઈ હુમલા થઈ રહ્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારત આગામી થોડા કલાકોમાં ખાર્કિવ અને પિસોચિનમાંથી તેના નાગરિકોને બહાર કાઢવાની અપેક્ષા રાખે છે. “અમારું મુખ્ય ધ્યાન હવે ભારતીય વિદ્યાર્થીઓને સુમીમાંથી બહાર કાઢવા પર છે. અમે તેમને બહાર કાઢવા માટે વિવિધ વિકલ્પો શોધી રહ્યા છીએ.” ઉલ્લેખનીય છે કે રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો.
