પાકિસ્તાને લાહોરમાં રમાયેલી ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવીને ODI શ્રેણી 2-1થી જીતી લીધી હતી. પાકિસ્તાનની જીતમાં કેપ્ટન બાબર આઝમ ફરી ચમક્યો અને તેણે બેક ટુ બેક સેન્ચુરી ફટકારી. આ દરમિયાન ઇમામ-ઉલ-હકે 89 રનની ઇનિંગ રમીને તેને સપોર્ટ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે 211 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેના જવાબમાં પાકિસ્તાન ટીમે 37.5 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
આ સદી સાથે બાબર આઝમ પાકિસ્તાન માટે ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બીજો બેટ્સમેન બની ગયો છે. તેણે આ ફોર્મેટમાં 15 સદી ફટકારનાર પૂર્વ બેટ્સમેન મોહમ્મદ યુસુફને પાછળ છોડી દીધો છે. હવે માત્ર સઈદ અનવર બાબરથી આગળ છે, જેણે પોતાની કારકિર્દી દરમિયાન 20 સદી ફટકારી હતી.
ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી ન હતી. મેચના પહેલા જ બોલ પર શાહીન આફ્રિદીએ ટ્રેવિસ હેડને બોલ્ડ કરીને પ્રથમ સફળતા અપાવી હતી. આ પછી હસિર રઉફે કેપ્ટન એરોન ફિન્ચ (0) અને લાબુશેન (4)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. શરૂઆતના આંચકાઓ પછી, ઓસ્ટ્રેલિયન ટીમ રિકવર કરી શકી ન હતી અને વારંવાર અંતરાલ પર વિકેટો ગુમાવતી રહી હતી. ઓસ્ટ્રેલિયા માટે વિકેટ કીપર બેટ્સમેન એલેક્સ કેરીએ સૌથી વધુ 56 રનની ઇનિંગ રમી હતી અને તેને સીન એબોટે 49 રનનો સાથ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 41.5 ઓવરમાં 210 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
પાકિસ્તાન તરફથી હરિસ રૌપ અને મોહમ્મદ વસીમ જુનિયરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી જ્યારે શાહીન આફ્રિદીને બે સફળતા મળી હતી.211 રનના ટાર્ગેટનો પીછો કરતા નાથન એલિસે ફખર ઝમાનને 17ના અંગત સ્કોર પર આઉટ કરીને યજમાન ટીમને પહેલો ઝટકો આપ્યો હતો. આ પછી બેટિંગ કરવા આવેલા સુકાની બાબર આઝમે 115 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 105 રન બનાવ્યા હતા જ્યારે ઈમામે 100 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 89 રન બનાવ્યા હતા. બંને બેટ્સમેનોએ અંત સુધી મુલાકાતી ટીમને બીજી વિકેટ આપી ન હતી.
