કોન્ટ્રાકટરની આત્મહત્યાના/ વિવાદમાં ફસાયા બાદ કર્ણાટકના મંત્રી ઈશ્વરપ્પાએ રાજીનામું આપ્યું,પરિવારે કરી ધરપકડની માંગ

ઇશ્વરપ્પાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ શુક્રવારે સાંજે મુખ્યમંત્રી આવાસ પહોંચ્યા અને તેમને પોતાનું રાજીનામું સુપરત કર્યું.

Top Stories India

કર્ણાટકના પંચાયતી રાજ મંત્રી કેએસ ઇશ્વરપ્પાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ શુક્રવારે સાંજે મુખ્યમંત્રી આવાસ પહોંચ્યા અને તેમને પોતાનું રાજીનામું સુપરત કર્યું. સંતોષ પાટીલ નામના કોન્ટ્રાક્ટરના મૃત્યુને લઈને મંત્રી પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમના પર રાજીનામું આપવા માટે સતત દબાણ કરવામાં આવ્યું હતું.

વિપક્ષી પાર્ટી કોંગ્રેસ મંત્રીની ધરપકડ અને રાજીનામાની માંગ પર અડગ હતી. જોકે ઈશ્વરપાએ રાજીનામું આપવાનો ઈનકાર કર્યો હતો. પરંતુ હવે તેઓ નથી ઈચ્છતા કે તેમના કારણે પક્ષને નુકસાન થાય અને તેથી જ તેમણે શુક્રવારે સાંજે પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે તેઓ નિર્દોષ સાબિત થયા બાદ ચોક્કસ પરત આવશે.

ઈશ્વરપા પોતે નિર્દોષ હોવાનો દાવો કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે આ મામલામાં તેમની કોઈ સંડોવણી નથી. સાથે જ તેમણે આ મામલે વહેલી તકે તપાસની માંગ કરી છે જેથી કરીને તેમની સ્થિતિ સ્પષ્ટ થઈ શકે. જ્યારે ઈશ્વરપા મુખ્ય પ્રધાનને મળી રહ્યા હતા, ત્યારે તેમના સેંકડો સમર્થકો મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનની બહાર તેમની પાસેથી રાજીનામું ન લેવા માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

કર્ણાટકના  મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે તેઓ આ કેસમાં તમામ આરોપોમાંથી મુક્ત થઈ જશે, તપાસમાં સત્ય બહાર આવશે. બોમાઈએ કહ્યું કે પોલીસ આ કેસના તમામ પાસાઓ પર નિષ્પક્ષ તપાસ કરશે, તેથી કોંગ્રેસના નેતાઓએ કેસમાં તપાસ અધિકારી, ન્યાયાધીશ અને ફરિયાદી બનવાની જરૂર નથી. ખુલ્લી તપાસ થશે અને સત્ય બહાર આવશે.

કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલ ઉડુપીના એક લોજમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આના થોડા સમય પહેલા, તેણે એક મિત્રને એક સંદેશ મોકલ્યો હતો, જેમાં તેણે મંત્રી ઇશ્વરપ્પાને તેના મૃત્યુ માટે જવાબદાર ગણાવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના મૃત્યુના થોડા દિવસો પહેલા સંતોષ પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર પણ લખ્યો હતો, જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે ઈશ્વરપ્પા કામના બદલામાં તેમની પાસેથી 40 ટકા કમિશનની માંગ કરી રહ્યા છે. તે જ સમયે, ઈશ્વરપ્પા દાવો કરી રહ્યા છે કે તેઓ પાટીલને ઓળખતા નથી, તેમના પરના તમામ આરોપો ખોટા છે.