Not Set/ PM મોદીની દાહોદ રેલી શું નારાજ આદિવાસીઓને મનાવવાનો પ્રયાસ ?

જો ગુજરાતમાં આદિવાસી વોટબેંકની વાત કરીએ તો અહીં લગભગ 15% વસ્તી છે, જેની સીધી અસર ગુજરાતની 27 થી વધુ બેઠકો પર પડે છે. ભાજપ અને કોંગ્રેસ બંને તેને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. ગત રોજ  સોમવારે પીએમ મોદી સાંજે અમદાવાદ આવી પહોચ્યા હતા. આજે 19 એપ્રિલે પીએમ મોદી બનાસ ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અને પશુપાલક બહેનો સાથે વાર્તાલાપ કરશે. બાદમાં 20 એપ્રિલે પીએમ દાહોદમાં આદિવાસી રેલીને પણ સંબોધિત કરશે.  પીએમનો દાહોદ પ્રવાસ ઘણો ખાસ માનવામાં આવી રહ્યો છે. કારણ કે વર્ષોથી કોંગ્રેસની વોટબેંક ગણાતા આદિવાસીઓને આ વખતે ભાજપ આગામી 2022ની ચૂંટણીમાં પોતાના પક્ષમાં ખેંચવા માંગે છે. અને 150+ બેઠકોનો ટાર્ગેટ પૂરો કરવા માંગે છે. આ જ કારણ છે કે વડાપ્રધાનની આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. PM મોદી અહીં 9000 HP ઈલેક્ટ્રિક લોકોમોટિવ પ્રોડક્શન યુનિટના પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. આ સાથે અહીંના આદિવાસી વિસ્તારમાં 10 હજારથી વધુ લોકોને રોજગારી મળશે. આ સાથે તેઓ પીવાના પાણીના પુરવઠાનો શિલાન્યાસ પણ કરશે.

કોંગ્રેસનાં ગઢમાં ભાજપ અને આપની નજર 

જો ગુજરાતમાં આદિવાસી વોટબેંકની વાત કરીએ તો અહીં લગભગ 15% વસ્તી છે, જેની સીધી અસર ગુજરાતની 27 થી વધુ બેઠકો પર પડે છે. ભાજપ અને કોંગ્રેસ બંને તેને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. AAP આદિવાસીઓની પાર્ટી ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) સાથે મળીને સમાજની વોટ બેંકને પોતાના ગણમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. ચૂંટણીમાં AAP BTP સાથે ગઠબંધન કરે તેવી શક્યતા છે.

કોંગ્રેસે આદિવાસી નેતાને વિરોધ પક્ષના નેતા બનાવ્યા

આદિવાસી વોટ બેંક વર્ષોથી કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક ગણાય છે. કોંગ્રેસ પણ આ વખતે કોઈને કોઈ રીતે પોતાની વોટબેંક જાળવી રાખવા માંગે છે. આ જ કારણ છે કે જ્યારે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થયું ત્યારે કોંગ્રેસે પણ વિરોધ પક્ષના નેતા બદલીને આદિવાસી નેતા સુખરામ રાઠવાને વિરોધ પક્ષના નેતા બનાવ્યા.

ભાજપ આદિવાસી સમાજને ખૂબ મહત્વ આપી રહ્યું છે

કોંગ્રેસે BTPના યુવા નેતા રાજેશ વસાવાને પણ પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે, જ્યારે ભાજપે તેની નવી સરકારમાં કેબિનેટમાં 5 આદિવાસી નેતાઓને સ્થાન આપ્યું છે. આ સાથે કેન્દ્ર સરકારે સાંસદ ગીતાબેન રાઠવાને BSNLના પ્રમુખ બનાવ્યા છે. આગામી દિવસોમાં ભાજપ સંગઠન અને સરકારમાં આદિવાસી સમાજના આગેવાનોને સત્તાવાર હોદ્દા આપી સમાજની વોટબેંકને પોતાના ગજામાં લાવવા પ્રયાસ કરી રહી છે.

આદિવાસીઓમાં કોંગ્રેસની મજબૂત પકડ 

ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 27 બેઠકો પર આદિવાસીઓનું પ્રભુત્વ છે. 2007માં કોંગ્રેસે 27માંથી 14 બેઠકો જીતી હતી. 2012ની ચૂંટણીમાં પણ કોંગ્રેસે 16 બેઠકો જીતીને પોતાનો પ્રભાવ જાળવી રાખ્યો હતો. જો કે, 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને મામૂલી નુકસાન થયું હતું અને તેણે 14 બેઠકો મેળવી હતી. જ્યારે ભાજપને માત્ર 9 સીટો પર જ જીત મળી શકી હતી. અત્યાર સુધીના ટ્રેન્ડ પર નજર કરીએ તો કહી શકાય કે આદિવાસી સમાજમાં કોંગ્રેસની હજુ પણ સારી પકડ છે.

BTP નેતાને હરાવવાની જવાબદારી સાંસદ મનસુખ વસાવા પાસે છે

આદિવાસી નેતા છોટુભાઈ વસાવા ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક પરથી ધારાસભ્ય બની રહ્યા છે. તેમને હરાવવા કોઈપણ પક્ષ માટે મુશ્કેલ માનવામાં આવે છે. આ વખતે છોટુ વસાવાને પણ હરાવવા માટે ભાજપ રણનીતિ બનાવી રહ્યું છે. ભાજપે વસાવાના સમર્થકો અને નેતાઓનો પણ પક્ષમાં સમાવેશ કર્યો છે. ભાજપે છોટુ વસાવાની BTPની વોટ બેંકને ડામવાની જવાબદારી સાંસદ મનસુખ વસાવાને સોંપી છે. કારણ કે તેઓ દરેક મુદ્દે BTPને ઘેરતા જોવા મળે છે. ભરૂચ નર્મદા જિલ્લામાંથી BTPના અનેક નેતાઓનો ભાજપમાં સમાવેશ, પંચાયતની ચૂંટણીમાં ભાજપને ફાયદો થયો છે.

તાપી નર્મદા રિવર લિન્કિંગ પ્રોજેક્ટને લઈને આદિવાસી સમાજમાં નારાજગી 

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં આવા અનેક પ્રોજેક્ટ છે, જેને લઈને આદિવાસી સમાજ ભાજપથી નારાજ જોવા મળી રહ્યો છે. તાપી નર્મદા રિવર લિન્કિંગ પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતમાં ભારે વિરોધ થયો હતો. હજારોની સંખ્યામાં આદિવાસી લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઘણા વિરોધ પછી સરકારે ડેમેજ કંટ્રોલ કર્યું અને આખરે આ નિર્ણય મોકૂફ રાખવો પડ્યો.

આદિવાસીઓના પ્રશ્નની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો છે. તે પણ ભાજપ માટે ફાંસો બની ગયો છે. બીટીપી હંમેશા ચૂંટણીમાં આ મુદ્દો ઉઠાવતી રહી છે. આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારના આદિવાસી ગામોની સમસ્યાનો હજુ ઉકેલ આવ્યો નથી. અહીંના ડેપ્યુટી કલેક્ટર દ્વારા આદિવાસીઓ અંગેની કથિત નિવેદનબાજીથી વિવાદ વધુ ઘેરો બન્યો હતો. આદિવાસીઓના વિરોધને જોતા સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓની બદલી કરવી પડી હતી.

Covid-19/ કોરોનાની ચોથી લહેર અંગે  IIT પ્રોફેસરે શું કહ્યું? બે વાર સચોટ આગાહી કરી ચુક્યા છે