લેફ્ટનન્ટ જનરલ બીએસ રાજુને આર્મી સ્ટાફના વાઇસ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ 1 મેના રોજ પદભાર સંભાળશે. સેનાએ શુક્રવારે કહ્યું કે લેફ્ટનન્ટ. જનરલ રાજુ આર્મી સ્ટાફના નવા વાઇસ ચીફ હશે અને તેઓ 1 મેના રોજ પદભાર સંભાળશે. આ માટે આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ તેમને અભિનંદન પાઠવ્યા છે. લે. જનરલ રાજુ જનરલ મનોજ પાંડેનું સ્થાન લેશે જેમને નવા આર્મી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવી જવાબદારી આપવામાં આવે તે પહેલા તેમના સ્થાન પર નિયુક્તિ કરી દેવામાં આવી છે. જનરલ રાજુ ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સની જવાબદારી સંભાળી રહ્યા હતા,આ દરમિયાન પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીની સેના સાથે અથડામણ થઈ હતી.
તેઓ સૈનિક સ્કૂલ બીજાપુર અને નેશનલ ડિફેન્સ એકેડમીનો વિદ્યાર્થી હતા. જનરલ રાજુને 15 ડિસેમ્બર 1984ના રોજ જાટ રેજિમેન્ટમાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમણે વેસ્ટર્ન થિયેટરમાં અને જમ્મુ અને કાશ્મીરમાં ઓપરેશન પરાક્રમ દરમિયાન તેમની બટાલિયનને કમાન્ડ કરી હતી. આર્મીમાં 38 વર્ષની તેમની શાનદાર કારકિર્દીમાં, જનરલે ઘણા મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા. નોંધપાત્ર સેવા બદલ તેમને ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ અને યુદ્ધ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે.
