રાજકોટના કાલાવડ રોડ પર ગઈકાલે બે અકસ્માત સર્જાયા છે. પ્રથમ બનાવમાં કોસ્મોપ્લેક્સ સિનેમા પાસે પુરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુનર કારે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી, જેમાં એક્ટિવા સવાર યુવક હવામાં પાંચ ફૂટ ઉછળીને રોડ પર પટકાયો હતો.
યુવકના ઘરે લગ્ન હોવાથી તે સંબંધીઓને કંકોત્રી આપવા જતો હતો. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ત્રણ બહેનોએ તેમનો એકનો એક ભાઈ ગુમાવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ મનીષ તરૈયા નામનો 27 વર્ષનો યુવક તેની પિતરાઈ બહેનના લગ્નની કંકોત્રી આપવા જઈ રહ્યો હતો. દરમિયાન ફોર્ચ્યુનર કારે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મનીષનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકની ઓળખ નિવૃત પીઆઈ ભૂપતભાઈ તરૈયાના પુત્ર તરીકે થઈ છે.
જ્યારે બીજા અકસ્માત ના બનાવમાં રાજકોટના કાલાવડ રોડ પર ડિવાઈડર પર પુરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો કાર અચાનક પલટી ખાઈ ગઈ હતી. ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. કાર અથડાતા જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. સદનસીબે વાહનો પસાર ન થતાં કોઈ જાનહાની થઈ ન હતી.
આ પણ વાંચો:કંડલામાં ઘઉંના 5 હજાર ટ્રક , 16 રેલ રેક , 4 જહાજ અટવાયા
આ પણ વાંચો: વડોદરાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સૌથી વધુ ખાઉધરા : એક વર્ષમાં ચા નાસ્તાનો આટલો ખર્ચ
આ પણ વાંચો:પાવાગઢ મહાકાળી મંદિરના શિખરે સોનાનો કળશ,જાણો વિગત
